Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સરકારના ખોખલા વાયદાઓના વાંકે મોરબીના તરઘરી ગામના લોકો હિજરત કરવા મજબુર બન્‍યાઃ સરકાર પાસે મદદની પોકાર કરી

એક સમયે 2500 જેટલા લોકોની વસ્‍તી ધરાવતા તરઘરી ગામમાં હાલ 250 જેટલા લોકોનો વસવાટઃ ગામના યુવાનો રોજગાર માટે શહેરના ભરોસે

મોરબીઃ આઝાદીના આટલા વર્ષો પછી પણ મોરબીના માળીયા તાલુકામાં સિંચાઇ માટેનું પાણી ખેડૂતોને મળતુ નથી, જેના કારણે ખેડૂતો તેમના ખેતરમાં બારમાસી પાક લઇ શકતા નથી. ત્‍યારે સરકાર દ્વારા સિંચાઇનું પાણી પુરૂ પાડવાની મસમોટી વાતો કરવામાં આવે છે. જે પણ માળીયાના તરઘરી ગામમાં પોકળ સાબિત થાય છે. ત્‍યારે સિંચાઇના અભાવે ગામના ખેડૂતોને હિજરત કરવાનો વારો આવ્‍યો છે.

સરકાર દ્વારા ખેડૂતોની આવકને બમણી કરીને ગામડાઓને સમૃદ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે. જો કે, નારી વાસ્તવિકતાએ છે કે, આજની તારીખે ઘણા ગામડાઓ સુધી સિચાઈ માટેના પાણીની વ્યવસ્થા સરકાર પહોચાડી શકી નથી. જેના કારણે ગામડા ભાંગી રહ્યા છે આવું જ એક ગામડું એટલે કે તરઘરી ગામ. આ ગામ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ છે. એક સમયે આ ગામમાં 2500 જેટલા લોકોની વસ્તી હતી. જો કે, સિંચાઇનું પાણી ન હોવાથી ખેતી પડી ભાંગી છે અને ગામના લોકો રોજગારી મેળવવા માટે ગામ છોડીને જવા લાગ્યા છે. જેથી માત્ર 250 જેટલા જ લોકો ગામમાં રહે છે. એટલે કે, આ ગામના લોકોને ધંધા રોજગાર માટે ગામમાંથી હિજરત કરી રહ્યા છે.

સામાન્ય રીતે ગામડામાં રહેતા લોકો શહેરમાં રહેવા જવાનું પસંદ કરતા નથી કેમ કે, ગામડામાં જે શાંતિ, પ્રદુષણ મુક્ત વાતાવરણ મળે છે તેવું શહેરમાં મળતું નથી પરંતુ આ પોણા ગામમાં તાળા છે. આ ઘરોમાં રહેતા લોકોને પોતાના ગામમાંથી ધંધા રોજગાર માટે હિજરત કરીને મોરબી કે પછી અન્ય શહેરમાં ચાલ્યા ગયા છે. આ વાત સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આ હક્કિત છે. માળીયા તાલુકાના તરઘરી ગામની વાત કરીએ તો એક સમયે 10 વર્ષ પહેલા આ ગામની અંદર 2500 થી વધુ લોકો રહેતા હતા. જો કે, આજની તારીખે આ ગામમાં માત્ર 250 લોકો રહે છે અને તેમાં પણ સીનીયર સીટીઝન છે બાકીના યુવાનો તો ખેતી પડી ભાંગી હોવાથી ધંધા રોજગાર માટે ગામ છોડીને ચાલ્યા હતા છે. જેથી મોટાભાગના મકાનો બંધ પડ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, હીરા બજારમાં તેજી હતી ત્યારે આ ગામની બાજુમાં જ આવેલા નાનાભેલા ગામમાં એક કે બે નહિ પરંતુ છ હીરાના કારખાના ધમધમતા હતા. જેથી તરઘરી ગામના યુવાનો તે ગામમાં રોજગારી મેળવવા માટે જતા હતા. જો કે, આજની પરીસ્થીતીએ કારખાના બંધ થઇ ગયા છે, ખેતી ખત્મ થઇ ગઈ છે જેથી તરઘરીગામ પડી ભાંગ્યું છે.

તરઘરી ગામે રહેતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તેના માટે એક નહી અનેક વખત સ્થાનિક કક્ષાએથી લઈને સરકાર સુધી રજુઆતો કરવામાં આવી છે છતાં પણ આજ સુધીમાં નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. જેથી તરઘરી તેમજ માળિયા તાલુકામાં આજની તારીખે ખેડૂતોને વરસાદ આધારિત જ ખેતીના પાક લેવા પડે છે. બાકીના મહિનાઓમાં સિચાઈ માટે પાણીના વલખા મારવા પડે છે આઝાદીના આટલા વર્ષો પછી પણ માળીયા મિંયાણા તાલુકામાં સિંચાઇ માટેનું પાણી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતું નથી. જેના કારણે ખેડુતો તેમના ખેતરમાંથી બાર માસી પાક લઇ શકતા નથી અને જો ચોમાસા દરમ્યાન મેઘ મહેર ન થાય તો ખેડુતોનું આખુ વર્ષે નિષ્ફળ જાય છે અને રોજગારી માટે પોતાનું ગામ પણ છોડવું પડે છે.

માળીયા તાલુકાના તરઘરી ગામની જેમ જ ચાંચાવદરડા, તરઘરી, સરવડ, મોટા દાહીસરા, નાના દહીસર, મોટા ભેલા, ભાવપર, બગસરા, વવાણીયા, લક્ષ્મીવાસ, બોડકી, કુંતસી, નાની બરાર, મોટી બરાર, જાજસર, દેવગઢ સહિતના ગામો એવા છે કે જ્યાં સિંચાઇ માટે પાણીની કોઇ વ્યવસ્થા આટલા વર્ષોમાં કરવામાં આવી નથી અને હવે કેટલા વર્ષો પછી કરવામાં આવશે તે હાલમાં કહેવુ મુશકેલ છે એટલે જ તો સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો હોવાથી ગામડાના લોકો હવે ગામ છોડવા લાગ્યા છે

અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાનું પાણી ખેડુતોના ખેતરો સુધી પહોંચાડવાની વાતો કરવામાં આવી રહી છે. જો કે નરી વાસ્તવિકતાએ છે કે, આજની તારીખે માળીયાના તરઘરી સહિતના અનેક ગામોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડવામાં આવ્યુ નથી. જેના કારણે ખેડુતો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે. ધંધા રોજગારની સાથોસાથ હવે દીકરી દીકરીના સબંધ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હોવાથી ગામડાને છોડવા માટે ખેડૂતો મજબુર બની ગયા છે વઘુમાં ગામના સરપંચના કહેવા પ્રમાણે હાલમાં ગામના મતદારોની યાદીમાં 1300 જેટલા લોકોનો સમાવેશ થાય છે જો કો, વાસ્તવિક રીતે ગામમાં 250 જેટલા જ લોકો રહે છે કેમ કે, સિંચાઇનું પાણી ન હોવાથી ખેતી થતી નથી અને અન્યે કોઇ આવકના સાધનો પણ આ ગામમાં નથી જેથી લોકો મજબુરીવસ ગામને છોડી રહ્યા છે.

(5:46 pm IST)