Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પડધરીના વેપારી કિશોરભાઇને લુંટી લેનાર બંન્ને શખ્‍સોને રિમાન્‍ડ પર લેવા તજવીજ

રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચે ગણતરીના કલાકોમાં જ મૌલીક વાઢેર અને અભીજીત ડોડીયાને દબોચી લીધાઃ દસ લાખની ખંડણી અંગે બંન્નેની પુછતાછ

રાજકોટ, તા., ૧૬: પડધરીના વેપારીને  પર છરીથી હુમલો કરી ૯ લાખ રૂપીયાની રોકડની લુંટ કરનાર અને ૧૦ લાખની ખંડણી માંગનાર બંન્ને શખ્‍સોને રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.  પકડાયેલ બંન્ને શખ્‍સોને પડધરી પોલીસે રિમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના વેપારી કિશોરભાઇ ડાયાભાઇ નાગર (ઉવ.૬૧) ગઇકાલે બપોરે પોતાની દુકાનેથી પોતાના ઘરે ચાલીને જતા હતા ત્‍યારે પડધરીમાં જ રહેતા મૌલીક ઉર્ફે મોલીયો ઉર્ફે ભુરો અજીતભાઇ વાઢેર તથા અભીજીત અજીતભાઇ ડોડીયાએ બાઇક ઉપર આવી વેપારી કિશોરભાઇ ઉપર છરીથી હુમલો કરી ઇજા કરી ૧૦ લાખ રૂપીયાની માંગણી કરી હતી અને તે ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી કિશોરભાઇ શર્ટના ખિસ્‍સામાંથી  ૯ હજાર રોકડા લઇ અને નાસી છુટયો હતો. આ અંગે કિશોરભાઇએ ઉકત બંન્ને શખ્‍સો સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરતા  રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વિજય ઓડેદરા તથા સ્‍ટાફે જ ગણતરીના કલાકોમાં મૌલીક વાઢેર અને અભીજીત ડોડીયા ને લુંટના મુદામાલ સાથે ઝીલરીયા પાસેથી ઝડપી લઇ પડધરી પોલીસના હવાલે કર્યા હતા.

પકડાયેલ મૌલીક સામે અગાઉ હત્‍યાની કોશીષ અને પ્રોહીબીશનના ૪ ગુનાઓ તથા અભીજીત ડોડીયા સામે હત્‍યાની કોશીષનો ગુન્‍હો નોંધાયો છે. પકડાયેલ અભીજીત અને ભોગ બનનાર કિશોરભાઇને  દુકાનના પાર્કીગ પ્રશ્ને  ડખ્‍ખો ચાલતો હોય તેના કારણે અભીજીતે મૌલીક સાથે મળી હુમલો કરી લુંટ કર્યાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. પકડાયેલ બંન્નેએ વેપારી પાસેથી ૧૦ લાખની ખંડણી માંગી હતી કે કેમ? તે અંગે બંન્નેને રિમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરાયેલ છે. વધુ તપાસ પડધરીના પીએસઆઇ રામદેવસિંહ ગોહીલ ચલાવી રહયા છે.

(1:37 pm IST)