Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મોરબી રાયફલ શૂટિંગ, તલવારબાજી અને જુડો કરાટે સહિતની સ્‍વરક્ષણ માટે તાલીમ લેતી ૨૫૫ મહિલા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૬: આર્ય સમાજ દ્વારા દર વર્ષે આર્ય વીરાંગના શિબિરનું નિઃશુલ્‍ક આયોજન કરવામાં આવે છે. હાલમાં મોરબીમાં ચાલી રહેલી આર્ય વીરાંગના શિબિરમાં રાજયભરની ૨૫૫ દીકરીઓ સ્‍વરક્ષણની તાલીમ મેળવી રહી છે. આર્ય વીરાંગના શિબિરમાં મહિલાઓને આત્‍મનિર્ભરતા અને આધ્‍યાત્‍મિકતાનું જ્ઞાન આપવામાં આવે છે. એટલે કે બહેનો-દીકરીઓને શારિરીક તાલીમની સાથે તેઓમાં ધાર્મિકતા વધે અને તેઓનો માનસિક વિકાસ થાય એવું પણ શિક્ષણ આપવામાં આવે છે. ખાસ કરીને અહીં મહિલાઓને સેલ્‍ફ ડિફેન્‍સ માટે રાઈફલ શૂટિંગ, લાઠી દાવ, તલવાર દાવ, છૂરી દાવ, જૂડો, કરાટે, તીરંદાજી શીખવાડવામાં આવે છે. તેમજ ભારતીય સંસ્‍કૃતિ અને આર્ય સમાજના ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવે છે.

સમાજમાં છેડતી, દુષ્‍કર્મ, એસિડ એટેક, અપહરણ જેવા સ્ત્રીઓને હેરાનગતિનો ભોગ બનાવતા કિસ્‍સાઓ અવારનવાર બનતા હોય છે. આવી પરિસ્‍થિતિ ઉભી થાય ત્‍યારે ભોગ બનતી મહિલા પોતાની પાસે રહેલી બોલપેન, વાળમાં નાખવાની પિન, પર્સ, ઓઢણી જેવી સામાન્‍ય ચીજવસ્‍તુઓથી કઈ રીતે પોતાની જાતને સામેવાળાની ચુંગલમાંથી છોડાવી શકાય તેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમથી ભાગ લેનારી મહિલાઓમાં આત્‍મવિશ્વાસ કેળવાય છે. તેમજ તેઓ અનિચ્‍છનીય પરિસ્‍થિતિનો સામનો કરવા સક્ષમ બને છે.

શિબિર સંદર્ભે મહેશ ભોરણીયાએ જણાવ્‍યું છે કે આ શિબિરમાં તમામ સમાજની ૧૨ વર્ષની દીકરીઓથી માંડી ૪૫ વર્ષ સુધીના બહેનો ભાગ લઈ રહી છે. ૨૫૫ મહિલાઓ પૈકી ૯૫ જેટલી મહિલાઓ મોરબીની છે. ગત તા. ૧૨થી શરૂ થયેલી શિબિર આગામી તા. ૧૯ સુધી ચાલશે. તા. ૧૮મીના રોજ સમાપન સમારોહમાં મહિલાઓ શિબિરમાં શીખેલા કરતબ રજૂ કરશે. મહિલાઓએ શિબિર દરમિયાન દરરોજ વ્‍હેલી સવારે ૪ વાગ્‍યે ઉઠવાનું હોય છે. ૧૧ વાગ્‍યા સુધી યોગ, ધ્‍યાન અને વ્‍યાયામ કરાવાય છે. બપોર બાદ તલવાર દાવ, રાયફલ શૂટિંગ, જૂડો સહિતની પ્રવૃત્તિઓ કરાવાય છે. બપોરના સમય દરમિયાન બૌધિક સત્રના ભારતીય સંસ્‍કૃતિ, આર્ય સમાજ, મહર્ષિ દયાનંદ સરસ્‍વતીનું જીવન વૃતાંત, લવ જેહાદ જેવા વિષયોનું જ્ઞાન અપાય છે. 

(1:24 pm IST)