Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કાલે તૌકતેની તબાહીને ૧ વર્ષ પૂર્ણ : સૌરાષ્‍ટ્રના ૧૩૦૦૦થી વધુ પરિવારો હજુ પણ સહાયથી વંચિત

રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરો વાવાઝોડામાં પડી ગયા : વાવાઝોડામાં ૬૦થી વધુ લોકો અને ૮ હજારથી વધુ પશુઓએ જીવ ગુમાવ્‍યા હતા : અનેક લોકોએ પોતાના માથેથી આશરો ગુમાવવાનો વારો આવ્‍યો હતો

અમદાવાદ તા. ૧૬ : ગત વર્ષે તૌકતે વાવાઝોડું સોમનાથના દરિયા કિનારે ત્રાટક્‍યું હતુંᅠ સોમનાથની સાથે-સાથે અમરેલી જિલ્લામાં પણ તબાહી મચાવતા વાવાઝોડા સાથે વરસાદ પણ ધોધમાર પડી રહ્યો હતો. જેમાં કોઈના ઘરના નળિયા ઉડ્‍યા, કોઈના ઘર પડી ગયાં, તો કોઈએ જીવ ગુમાવ્‍યા. શું પશુ.. શું પક્ષી.. શું પ્રાણી.. શું માનવી. બધાની જિંદગી તૌકતેએ તહેસનહેસ કરી નાખી.
આ તબાહી મચાવતા વાવાઝોડાનું ૧૭ તારીખે ૧ વર્ષ પુરૂ થશે. ત્‍યારે એક વર્ષ પછી હાલ કેવી પરિસ્‍થિતિ છે. તે જાણવા માટે વીટીવી ન્‍યૂઝની ટીમ અમરેલીના જાફરાબાદ અને રાજુલા તાલુકા ગામડાઓમાં પહોંચી હતી. અહીં પહોંચતા એવા દ્રશ્‍યો સામે આવ્‍યા કે, ૧ વર્ષ પછી પણ અહીં કાંઈ નથી બદલાયું. હજૂ અહીં લોકો તે તૌકતેના ડામમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે. કારણ કે, અહીંના લોકો સુધી સરકારની કોઈ સહાય પહોંચી જ નથી.
તૌકતે વાવાઝોડા સમયે તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની સરકારે અસરગ્રસ્‍તોને સહાયની જાહેરાત તો કરી હતી. પરંતુ તે સહાય પહોંચી નથી તેનો અંદાજ તમે આ દ્રશ્‍યો પરથી લગાવી શકો છો. કારણ કે, રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં જે લોકોના ઘરો વાવાઝોડામાં પડી ગયા હતા આજે પણ તે એજ હાલતમાં છે. બંને તાલુકાના ૧૪૨ ગામોના ૧૩ હજારથી વધુ પરિવારો આજે પણ સરકારની સહાયની રાહ જોઈને બેઠા છે.ᅠ
વાવાઝોડાના ડામ કોવા હોય તે તો જેણે નરી આંખે વાવાઝોડું જોયું હોય. આજે પણ વાવાઝોડામાં થયેલી તબાહીમાંથી ઉભરવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને જઈને પુછો તો ખબર પડે. આર્થિક સહાયથી વંચિત આ બંને તાલુકાના ગામડાઓમાં લોકો ઝૂપડા બાંધીને રહેવા માટે મજબૂર છે. કારણ કે, જે લોકો મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય. તેમના માટે ફરી ઘર ઉભું કરવું ખુબ અઘરૂં છે.
સ્‍થાનિકે કહ્યું કે, વાવાઝોડાને એક વર્ષ થવા આવ્‍યું પરંતુ હજુ સુધી સહાય કે પૈસા મળ્‍યા નથી. અમે મંત્રી સાહેબ અને સરપંચને રજૂઆત કરી હતી.તો એક મહિલાએ કહ્યું કે, સહાયના ૮ હજાર મળી ચૂક્‍યા છે, પરંતુ બીજા પૈસા હજુ સુધી મળ્‍યા નથી. બેંકના ધક્કા ખાઈએ છીએ પરંતુ હજુ સુધી પૈસા નથી આવ્‍યા તેવું કહે છે.અમારા નળિયાને બધુ ઉડી ગયું પરંતુ અમને સહાય મળી નથી. અમને માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે પૈસા મળશેમારે નાના-નાના બાળકો છે, વાવાઝોડામાં અમારા મકાન પડી ગયા તો હવે અમે બીજાના મકાનમાં ભાડે રહીએ છીએ. ૨૫ હજાર આવ્‍યા પણ એટલા પૈસામાં શું કરીએ.
હવે ચૂંટણી આવી રહી છે એટલે કદાચ નેતાઓને આ લોકોની યાદ આવશે. પરંતુ અત્‍યાર સુધી અહીં લોકોની શું પરિસ્‍થિતિ હતી તે જાણવાનો સત્તાપક્ષના કોઈ નેતાઓએ પ્રયાસ નથી કર્યો. તેવામાં આશા રાખીએ કે, સરકાર ચૂંટણીઓના તાયફામાં કરોડો રૂપિયા નહીં પરંતુ આ વિસ્‍તારોના લોકોની મદદ માટે કરોડો રૂપિયા વહાવે. જેથી કરીને લોકો ફરી તૌકતેના ડામમાંથી ઉભા થઈ શકો.
ગત વર્ષે આવેલા વાવાઝોડામાં ૬૦થી વધુ લોકો અને ૮ હજારથી વધુ પશુઓએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા. અનેક લોકોએ પોતાના માથેથી આશરો ગુમાવવાનો વારો આવ્‍યો હતો. આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના લોકોને હચમચાવી દીધા હતા. હજુ પણ આ લોકોની આંખો સામે એ દ્રશ્‍યો આવે છે તો શ્વાસ થંભી જાય છે.

 

(11:40 am IST)