Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

નરેશભાઇએ રાજકારણમાં જોડાવવું જોઇએ : સમાજ હિતના કાર્યો સારી રીતે કરી શકશે : હાર્દિક પટેલ

કાગવડ ખોડલધામ ખાતે યોજાયેલ બેઠક : ‘પાસ' આગેવાન અલ્‍પેશ કથિરીયા, દિનેશ બાંભણીયાની ઉપસ્‍થિતિ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૧૬ : લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક ખોડલધામમાં ગઇકાલે બેઠકોનો દોર યોજાયો હતો. પાસ આગેવાન અલ્‍પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. જેનું સ્‍વાગત નરેશ પટેલે કર્યું હતું.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, હું, અલ્‍પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા કરી છે. નરેશભાઇ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું. નરેશભાઈએ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેચવા મુખ્‍યમંત્રીને રજુઆત કરી હતી. જે બાદ ૨૨થી ૨૫ કેસ પાછા ખેચાયા હોવાથી તેમનો આભાર માનવા પણ આવ્‍યા હતા. હજી ૨૪૪ જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજુઆત પણ કરી છે. સાથોસાથ તેમનો કોઈ પણ રાજકીય નિર્ણય હોય તેમાં અમે સૌ સહમત છીએ.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, અમે માગણી પણ કરી છે કે, તમારો રાજકીય નિર્ણય વહેલામાં વહેલી તકે રજુ કરો. અમારો તમામનો હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોને સારું નેતૃત્‍વ મળે, સારી વ્‍યવસ્‍થા મળે, લોકોનું કામ થાય, લોકો સમૃદ્ધ થાય તે માટેનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. ખોડલધામ પાટીદાર સમાજની નિમિત સંસ્‍થા છે પણ હકિકતમાં સર્વસમાજની આસ્‍થાનું કેન્‍દ્ર છે. જો હું ઉદયપુર ગયો હોત તો મારા સમાજના સર્વમાન્‍ય નેતાને મળી શક્‍યો ન હોત. ગઇકાલે ઉદયપુર ગયો હતો તો સુરેન્‍દ્રનગરના એક કાર્યકરના કાર્યક્રમમાં ન જઈ શક્‍યો હતો. જયા સુધી મુદ્દાનું નિરાકરણ ન આવી શકે ત્‍યાં સુધી હું ત્‍યાં જઈને શું ચર્ચા કરી શકીશ.

વધુમાં જણાવ્‍યું હતું કે, અમે લોકોએ પાર્ટીને આપ્‍યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી આજસુધી. ૨૦૧૫ હોય, ૨૦૧૭ હોય અમે અમારા ૧૦૦ ટકા આપ્‍યા છે. ગુજરાતની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે જોડવાનું કામ કર્યું છે. અમે કામ માગીએ છીએ, અમે થોડા પદ માગીએ છીએ. નરેશભાઈને કોંગ્રેસના હાઈકમાન્‍ડ સાથે ડાયરેક્‍ટ ચર્ચા થઈ છે. આથી લોકલ નેતાઓ સાથે શું ઇસ્‍યુ છે તેનો મને વધારે ખ્‍યાલ નથી. નરેશભાઈ સોનિયાજી અને રાહુલજી સાથે ચર્ચા કરે છે તો આશા રાખું છું કે, ટૂંક સમયમાં ત્‍યાંથી જ નિર્ણય આવી જશે. નરેશભાઈએ રાજકારણમાં જોડાવું જોઈએ. સમાજહિતનું કામ રાજકારણમાં આવીને સારી રીતે કરી શકે. નરેશભાઈના આવવાથી ગુજરાતના લોકોને મોટો ફાયદો થશે. નરેશભાઈ કોગ્રેસમાં આવશે તો મારે બીજા કોઈને પૂછવાની જરૂર જ નહીં રહે.

બેઠક બાદ નરેશ પટેલે જણાવ્‍યું હતું કે, સામાજિક અને શિક્ષણ વિશે ચર્ચા થઈ હતી. પાટીદાર યુવાનો પર કેસ છે તે પાછા ખેચાવાની ધીમી ગતિ છે. સરકારને વિનંતી કરીએ છીએ કે તેમાં થોડી ઝડપ રાખે. બધા કેસો પાછા ખેચાય તેવી સરકારને વિનંતી છે. મારા રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. હજી પાંચથી સાત દિવસની અંદર અમારી બીજી બેઠક થશે તેમાં કદાચ આગેવાનો વધશે. ત્‍યારબાદ મારો નિર્ણય તમારા સમક્ષ મુકીશ. હાર્દિકની પરિસ્‍થિતિ છે તે યથાવત છે અને જે પક્ષમાં છે તેમાં જ છે. તેને એક પક્ષમાં બીજા પક્ષમાં જવું છે તેના વિશે ચર્ચા થઈ નથી. હાર્દિકના પક્ષમાં જે પ્રશ્નો છે તે હાર્દિક અને હું પણ મારા લેવલથી ઉકેલ આવે તેવો પ્રયત્‍ન કરૂં છું. (તસ્‍વીર : કિશન મોરબીયા, વીરપુર)

(10:36 am IST)