Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કવોરેન્ટાઇનનો ખર્ચ કચ્છની ગ્રામ પંચાયતોને ભોગવવાનાં રાજ્યમંત્રીના નિવેદન સાથે કોંગ્રેસના સણસણતા સવાલો

દરરોજ કચ્છમાં ૪ હજારથી વધુ લોકો આવે છે તેનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી વાપરવા વી.કે. હુંબલનું વાસણભાઇ આહિરને સુચન

ભુજ,તા.૧૬: કોરોનાની મહામારી વચ્ચે રેડઝોન, ઓરેન્જ ઝોનમાંથી લોકો કચ્છમાં મોટે પાયે આવી રહ્યા છે. ત્યારે કચ્છમાં અન્ય રાજય માંથી ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ નીકળ્યા બાદ સમગ્ર કચ્છમાં ભારે ફફડાટ સાથે બહારી લોકો સામે વિરોધનો માહોલ છે. તો, બહારથી આવનારા લોકોને વતનમાં આવકાર આપીને તેમને પહેલાં ૭ દિવસ માટે જે તે ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કવોરેન્ટાઈન કરવામાં આવે અને આ કવોરેન્ટાઈનનો ખર્ચ જે તે ગ્રામ પંચાયત ભોગવે અથવા તો દાતાઓ પાસેથી લે એવું નિવેદન રાજયમંત્રી વાસણભાઇ આહીરે કર્યું હતું.

આ નિવેદન અંગે કચ્છના કોંગ્રેસી આગેવાન, કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે  આકરી ઝાટકણી કાઢી સણસણતા સવાલો કર્યા છે. કચ્છમાં દરરોજ સરેરાશ ચાર હજાર લોકો બહારથી આવી રહ્યા છે. તેમનો સતત એક અઠવાડિયું ગ્રામ પંચાયત રહેવાનો અને જમવાનો ખર્ચ કઈ રીતે ઉપાડી શકે? આર્થિક રીતે ગ્રામ પંચાયત ઉપર આ બોજો ભારે પડે એવું કહેતા કોંગ્રેસી નેતા હુંબલે કવોરેન્ટાઇનનો ખર્ચ સીએમ રાહત ફંડમાંથી કરવું જોઈએ એવું નિવેદન મંત્રી વાસણભાઇ આહીરને કરવાની સલાહ આપી છે.

જોકે, નિવેદનબાજીની આ રાજકીય ગરમીને વધારતાં હુંબલે શ્રમિકોની રેલવે ટીકીટના પૈસા સરકાર આપશે એવા મંત્રી વાસણભાઇ આહીરના નિવેદન પછી શ્રમિકો પાસેથી ટ્રેનની ટિકટના લેવાતાં પૈસા સામે સવાલો કરી આને શ્રમિકો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો. તે ઉપરાંત હવે કવોરેન્ટાઈન માટે ઉદ્યોગો પાસેથી પૈસા ઉઘરાવાશે એવી દહેશત વ્યકત કરી હતી. રાશનકીટ, શ્રમિકોને પગાર, ખાધા ખોરાકી આપ્યા પછી કવોરેન્ટાઈનના નામે ઉદ્યોગોને હેરાન કરવામાં ન આવે તે જોવા પણ હુંબલે ટકોર કરી છે.

(2:55 pm IST)