Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જામનગરના પ્રસિદ્ધ લોક સાહિત્‍યકાર કાંતિભાઇ રામાવતનુ અવસાન

જામનગર તા.૧૬ : જામનગરઃ લોક સાહિત્‍ય ક્ષેત્રે જેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી ગુજરાત સહિત દેશનાં અન્‍ય રાજ્‍યોમાં પણ પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્‍ધ કરનાર જામનગરના પ્રસિદ્ધ લોક સાહિત્‍યકાર કાંતિભાઇ રામાવતનું તારીખ ૧૪/પ/ર૦ર૦ ના રોજ ૬૯ વર્ષની વયે દુઃખદ નિધન થતાં, લોક કલાનાં ચાહકોએ કલાની આગવી કોઠા સુજ ધરાવનાર-પહાડી અવાજનાં માલિક અને વરિષ્‍ઠ લોક સાહિત્‍યકાર (સાહિત્‍ય ક્ષેત્રે ઘરેણું) ગુમાવ્‍યા છ.ે

રામાનંદી સાધુ સમાજના સામાન્‍ય પરિવારમાં જન્‍મેલા અને પોસ્‍ટ વિભાગના નિવૃત્ત કર્મચારી કાંતિભાઇ રામાવતનો લોક સાહિત્‍યની સાથે-સાથે લોક વર્તા પર એટલો જ દબદબો હતો. લોક વાર્તાનાં વિવિધ ખંડો તથા પહાડી અવાજની સાથે આગવી રજુઆતની કદરરૂપે આકાશવાણીનાં રાજકોટ કેન્‍દ્ર દ્વારા તમનેB High ગ્રેડની માન્‍યતા આપવામાં આવી હતી. તેઓની આકાશવાણીમાં રેકોર્ડિંગ કરવામાં આવેલી લોક વાર્તાઓમાં ‘‘કસ્‍તુરી મૃગલો'', ‘‘પૃથ્‍વીરાજ ચૌહાણ'' વગેરે જેવી અનેક લોક વાર્તાઓની રજુઆત થકી તેને સાંભળવા વાળા શ્રોતાઓને તેમના દ્વારા રજૂ થતી વાતનું દ્રશ્‍ય ખડું થઇ જતું હતું. સૌરાષ્‍ટ્ર-ગુજરાતના અનેક નામાંકિત કલાકારો સાથે લોક ડાયરામાં સંચાલનની સાથે-સાથે લોક સાહિત્‍ય અને લોક વાર્તાની રજુઆત કરે ત્‍યારે સમગ્ર શ્રોતાઓને ભાવ વિભોર કરી દેતા હતા.તેમજ હાસ્‍ય રસ પર પણ તેઓનું અદ્દભૂત પ્રભુત્‍વ હતું. સૌરાષ્‍ટ્ર-ગુજરાતના સંતો, ભકતો, દાતારો, અને શુરવીરોની વાતોની સાથે-સાથે શોર્ય રસ અને કરૂણ રસની રજુઆત શ્રોતાઓનાં હૃદયને સ્‍પર્શી જતી હતી.

તેઓ લોક કલા અને લોક સંગીતને વરેલી સંસ્‍થા ‘‘ગુજરાત લોક કલા વૃંદ - જામનગર''ના સક્રિય સલાહકાર તરીકે પણ સેવાઓ આપવાની સાથે ચાહકોનો એક બહોળો વર્ગ પણ ધરાવતા હતા.

(11:33 am IST)