Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

હાડમાં ઉતરેલી ગૌભકિત

એક અનોખા સંત : શ્રી બ્રહ્મચારીબાપુ સ્વામી આત્મ ચૈતન્યજી ગુરૂ શ્રી પરમાનંદ સરસ્વતી

બાબરા તાલુકાના થોરખાણ ગામથી આશરે ૨ કિ.મી. દૂર સાણથલી જવાના રસ્તે પાકી સડકના કાંઠે એક ટેકરી ઉપર ખોડીયાર માતાજીની સુંદર ડેરી, નીચે એક નાનકડો પણ સુંદર આશ્રમ, શાંત પવિત્ર એકાંતિક વાતાવરણ. આ સંત કુટીરમાં બે પાકા રૂમ, મોટુ ચોગાન અને નિરવ એકાંત. એમાં એક ગૌભકત સંત શ્રી બ્રહ્મચારી બાપુ (સ્વામીજી) બિરાજે છે સાથે કાળા રંગની સુરભી ગાય - અસલ ગીર ઓલાદની છે. જેની સંધ્યા વંદન, ગાયત્રી જપના પ્રખર હિમાયતી અને પરમ શિવભકત સ્વામીજી પોતાના જપ તપમાંથી ફ્રી થાય કે તરત જ ગૌસેવામાં લાગી જાય. સ્વામીજી પોતે પોતાના ભોજનના ટાઈમ ટેબલ ચુકે પણ ગૌસેવાના કાર્યમાં પુરા પાબંદ. ગાયને ચારો નાખવો, પાણી પાવુ કે ગાયને સ્નાન કરાવવું - સ્વામીજી કોઈ અંગત સ્વજનની જેમ એ શિડ્યુલને સાચવે.

સ્વામીજી પોતે થોરખાણ પધાર્યા એમાં પણ એક ઈતિહાસ છે. ભકતો - ભાવિકોએ બાપુને આગ્રહ કર્યો કે અમારા ગામ પધારો આપને સ્વતંત્ર આશ્રમ બાંધી દઈએ અને કાયદેસર જમીન પરચેઝ કરીને અથવા સ્વતંત્ર માલિકીની જમીનમાં આપના માટે આશ્રમ બનાવીએ. હંમેશા મુજબ સ્વામીજીએ ભકતો પાસે ૪ શરતો મૂકી.

(૧) મારા માટે ફંડફાળો કરવો જ નહિં. (૨) મારા આશ્રમમાં કયારેય પિકનીક ભોજન સમારંભ કરવા નહિં. (૩) હું ઈચ્છુ એ વ્યકિત જ મારા સમયે જ આશ્રમમાં આવી શકે. કારણ કે આ મારૂ પૂજાસ્થાન છે. (૪) હું પૈસાને સ્પર્શ કરતો નથી તેથી મારી અને ગૌમાતાની તમામ જરૂરીયાત વગર કીધે પૂરી કરવી.

 ભકતોએ એ પ્રમાણે જ કર્યુ. બાપુને ૭/૧૨અને ૮-અના ઉતારા વગેરે પણ આપ્યા જેથી બાપુ નિશ્ચિત થઈ સ્વતંત્ર ચણાયેલા આશ્રમમાં રહેવા આવ્યા.

થોડા જ સમયમાં આ સિદ્ધ સંતને ઉચાટ થવા લાગ્યો અને પોતાની આત્મ સ્ફુરણાથી એમને એવુ લાગવા માંડ્યુ કે જે જમીન ઉપર પોતાનો આશ્રમ ઉભો છે - એના માલિકી હક્ક, ૭/૧૨ અને ૮-અ વગેરે કાયદેસર હોવા છતાં કંઈક અઘટિત કે અજુગતુ છે. જેથી સ્વામીજીએ પોતાના ભાવિક શિષ્ય જેઓ રાજય સરકારમાં બહુ ઉંચા વહીવટી હોદ્દા પર છે. એમને તપાસ સોંપી અને બાપુ નર્મદા પરીક્રમામાં નીકળી ગયા. પરીક્રમામાંથી પરત થતાં બાપુના પરીચિત એવા અધિકારી સાહેબે જણાવ્યુ કે સ્વામીજી આપની શંકા સાચી છે. આશ્રમ ગૌચરની જમીન ઉપર ઉભો છે અને ૭/૧૨ના દાખલા વગેરે અન્ય જગ્યાના છે.

એ જ સમયે એક ઘડી કે પળના વિલંબ વિના સ્વામીજીએ કહ્યું કે ગૌચરની જમીન મારાથી સાધુ થઈને દબાવી ના શકાય. અજાણતા હું ભોગ બન્યો છું મારા ભાવિકોની ભુલનો. તાત્કાલીક આ આશ્રમને જડમુળથી ડીમોલીશ કરો. ભાવિકો, ગામ લોકો, ભકતો અને સ્થાનિક પક્ષીય રાજકારણી લોકોએ ભાવભરી વિનંતી કરી કે બાપુ આપ અહિં સુખેથી રહો, આપને કોઈ તકલીફ નહિં થાય. પણ બાપુએ બધાના આગ્રહ વિનંતી અને વિરોધ સામે અડગ રહ્યા અને વહીવટી તંત્રને તાકીદ કરી, પોતાની પ્રતિષ્ઠા અને નિષ્ઠાને કારણે વહીવટી તંત્રને દોડતુ કરી તા.૨૬-૨-૧૯ના રોજ આખો આશ્રમ પાયાથી ડિમોલીશ કરાવ્યો.

સાંપ્રત સમાજને દિવાદાંડીરૂપ આ સત્ય ઘટનાની નોંધ લેવામાં સમાજ ઉણો ઉતર્યો છે. હાલ જયારે નિતિમત્તાનું ધોરણ શૂન્ય સ્તર સુધી પહોંચી રહ્યું છે. ગૌચરની જમીનો, સરકારી જમીનો કે, નિર્દોષ લોકોની જમીનો પર વ્યાપક દબાણ, ભેલાણ અને ગબન થઈ રહ્યું છે ત્યારે કોઈ સંતે પોતાના બન્યો - બનાવેલો આશ્રમ - આ ગૌચરની જમીન ઉપર ઉભો છે એવી માત્ર જાણ થવાથી સ્વયં સ્ફુરણાના ફળ સ્વરૂપે ખરાઈ કરી જાતે - સ્વયં - પોતાની મેળે ડિમોલીશ કરાવી નાખ્યો. એ બનાવનો ધડો લેવાની સમાજને જરૂર છે. જેનાથી સમાજના મૃતઃપાય થયેલા આત્માને પ્રાણની એક ફૂંક પહોંચે.(૩૭.૪)

પૂ.બ્રહ્મચારીબાપુ (સ્વામીજી)

(મો. ૬૩૫૬૧ ૨૪૬૯૨)

આલેખન - યોગેશ એન. ઠાકર-૮૭૮૦૨ ૭૫૧૨૦

(3:51 pm IST)