Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભાવનગરમાં વેપારીનાં ૧૨ વર્ષના પુત્રનું અપહરણ બાદ છુટકારો

ટુલ્સના કારખાનેદાર મિતુલભાઇ રાઠોડના પુત્રને લઇ ગયા બાદ ધોલેરા પાસેથી અપહરણકારોને દબોચી લેવાતા હેમખેમઃ કારણ અંગે તપાસ

ભાવનગર તા.૧૬: ભાવનગરમાં ટુલ્સનું કારખાનું ધરાવતાં વેપારીના ૧૨ વર્ષના બાળકનુ અપહરણ થતાં દોડધામ મચી ગઇ હતી. દરમ્યાન પોલીસે અપહરણકર્તાઓને ધોલેરા પાસેેથી દબોચી લેતાં અપહત બાળકનો હેમખેમ છુટકારો થયો હતો.

બનાવની વિગતો મુજબ ભાવનગર શહેરનાં શાસ્ત્રીનગર વિસ્તારમાં ૧૭ એમ.આઇ.જી.માં રહેતાં અને જીઆઇડીસીમાં ટુલ્સનું કારખાનું ધરાવતાં મિતુલભાઇ જયસુખભાઇ રાઠોડનો પુત્ર અભય ઉ.વ.૧૨ શહેરની સિલ્વર બેલ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભય ગઇકાલે સાંજ ેટયુશનમાં ગયો હતો અને ટયુશનથી ઘર તરફ આવતો હતો ત્યારે શાસ્ત્રીનગરની શેરીનં. ૯ પાસે રીક્ષામાં બુકાની બાંધી આવેલા ત્રણ શખ્સો આ બાળકનું અપહરણ કરી નાસી છુટયા હતાં.

દરમ્યાન ટયુશનથી અભય ઘરે ન આવતાં પરિવારજનોને ચિંતા થવા લાગતાં શોધખોળ શરૂ કરી હતી અને શેરીનં. ૯માં રમતા બાળકોએ કોઇ રીક્ષામાં અભયને બેસાડીને લઇ ગયા હોવાનું જણાવતાં અભયનું  અપહરણ થયું હોવાનું જણાતાં તુરંતજ  આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. અને આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ નિહાળતા અભયને રીક્ષામાં લઇ જતા શખ્સો જોવા મળ્યા હતા.

પોલીસે તુરંત જ જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. ભાવનગરનાં એસ.પી., ડી.વાય.એસ.પી., આર.આર.સેલ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને એ ડિવીઝન પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.

દરમ્યાન મોડી રાત્રે બે વાગ્યે ધોલેરા પોલીસે અપહરણકર્તાઓને દબોચી લીધા હતા. અને ભાવનગરની પોલીસે ધોલેરા દોડી ગઇ હતી અને બાળકનો કબ્જો લઇ ત્રણેય અપહરણકર્તાઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. અપહત બાળક હેમખેમ મળી આવતાં પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

(11:41 am IST)