Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ઘાંટવડનો શખ્શ રસ્તા ઉપર લપસીે પડી ગયોઃ બિસ્માર રોડના કારણે અકસ્માત સર્જાતા કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ કરી

કોડીનાર પંથકનાં અનેક રસ્તાના કામો અધૂરા છોડી ગયેલી જુનાગઢની કંપનીઃ ચકચાર

કોડીનાર તા. ૧પ :.. કોડીનારના ઘાંટવડ ગામનો એક શખ્સ ઘાંટવડથી રૂદ્રેશ્વર મંદિર તરફ જવાના રસ્તે ચાલીને જતા રોડ ઉપરના ખાડામાં કમોસમી વરસાદથી પાણી ભરાતા લપસીને પડી જતા તેણે આ રોડનું ત્રણ વર્ષથી અઘુરૂ કામ છોડી ચાલ્યા જનારા કોન્ટ્રાકટર ઉપર પોલીસમાં ફરીયાદ અરજી આપતા ચકચાર મચી ગઇ છે.

ઘાંટવડ ગામના સાયલી સીદીકભાઇ ઉમરભાઇએ પોલીસમાં જણાવ્યું છે કે, તે પોતાના ઘરેથી રૂદ્રેશ્વર મંદિર વાળા રોડ ઉપર જઇ રહ્યો હતો ત્યારે અતિ બિસ્માર આ રોડ ઉપરના ખાડાઓ કમોસમી વરસાદથી ભરાઇ ગયા હોઇ કિચડના કારણે તેઓ લપટી જતા પડી જવાથી પગમાં ઇજાઓ પહોંચી હતી આ રોડનું કામ જુનાગઢની દાસા ઇન્ક્રાસ્ટ્રકચર કંપનીએ ગત ત. ૧૧-પ-૧૭ ના રોજ ટેન્ડર ભરી રાખ્યું હતું અને આ કામ છ માસમાં પુરૂ કરવાનું હતું. પરંતુ છ માસમાં કામ પુરૂ ન થતા અને અધુરૂ છોડી આ કોન્ટ્રાકટર ચાલ્યા ગયા હોઇ આ બાબતે તેઓએ અવાર નવાર તંત્રનું ધ્યાન દોર્યુ હતું. દરમ્યાન ત્રણ વર્ષથી ટલ્લે ચડેલા આ રોડ એકદમ બિસ્માર થઇ ગયેલ હોઇ અવાર નવાર અકસ્માત થતા હોઇ કોન્ટ્રાકટરની બેદરકારી બદલ થતા અકસ્માતમાં તેમને જવાબદાર ગણી તેમની સામે કાયદેસર પગલા લેવા સીદીકભઇએ તમામ આધાર પુરાવા સાથે પોલીસ ફરીયાદ દાખલ કરવા અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોડીનાર પંચાયત પેટી વિભાગના ના. કા. ઇ.નો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરોકત કામ ર૦૧૭ માં જુનાગઢની આર. એન. દાસા ઇન્ફ્રાસ્ટ્રકચરને આપવામાં આવેલ અને છ માસમાં ત્યાં રોડ બનાવી કામ પુરૂ કરવા વર્ક ઓર્ડર અપાયેલ બાદ છ માસમાં કામ પુરૂ નહી કરીને આ કોન્ટ્રાકટર કામ અધુરૂ છોડી ચાલ્યા ગયેલ અને અવાર નવાર અત્રેની કચેરીથી નોટીસ પણ પાઠવવામાં આવેલ તેમજ આ કોન્ટ્રાકટર દ્વારા કોડીનાર તાલુકામાં અન્ય રાખેલા કામ જેમાં મિતીયા જ થી મજેવડીનો રોડ, સીંધાજથી છાછરનો રોડ, ગીરદેવળીથી ચીડીવાવનો રોડ, વિઠલપુરથી શેઢાયાનો રોડ, વેળવાથી વિઠલપુરનો રોડ, અને અરીઠીયાથી હરમડીયાનો રોડ આ બધા જ કામ રાખેલા  જે તમામ રોડના કામ અધુરા છોડવા ઉપરાંત નબળા બનાવવાને કારણે રોડ નેસ્ત નાબુદ થઇને રોડ ઉપર અકસ્માત સર્જાય તેવા ખાડા પડી જવાના કારણે બિસ્માર જેથી આ કંપનીને બ્લેક લીસ્ટમાં મુકવા તંત્રને રજૂઆત કરી છે.

(11:31 am IST)