Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમરેલી જિલ્લાની સાડા ત્રણ વર્ષની રેપપિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન

સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યું

રાજકોટ,તા. ૧૫ :અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપ પિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરાયુ છે. આ બાળકીને ઇજાને કારણે મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યુ છે.

અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી લાજવંતીબેન બધેકા કહે છે કે મે, ૨૦૨૦માં અમારા જિલ્લાના એક શહેરમાં કાચા ઝૂપંડામાં રહેતી દીકરીને એક શખસ ઉપાડી ગયો હતો. બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરીને આ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી બીજા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. અમરેલીના કલેકટરના આદેશથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ બાળકી અને તેના પરિવારનું કાઉન્સેલીંગ કરી તેનો અહેવાલ આપ્યો હતો.

આ ઘટનાના પાંચ માસ બાદ સપ્ટેમ્બર માસમાં સખી વન સ્ટોપ સેન્ટર અમરેલીના સ્ટાફ દ્વારા ફરી આ બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવતા દીકરીની માતાએ જણાવ્યુ હતું કે તેની પુત્રીને થયેલી શારીરિક ઇજાને કારણે યોની માર્ગ અને મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. અમરેલીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.

રાજકોટ અને અમરેલીના જિલ્લા મહિલા બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી આ બાળકીની સફળ સર્જરી- સારવાર રાજકોટ સિવિલના પીડીયાટ્રીક અને ગાયનેકની ટીમ દ્વારા કરવામાં આવી છે.

આમ રાજકોટ અને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના લાજવંતીબને બધેકા, મનિષાબેન ત્રિવેદી, યાસ્મીનબેન ઠેબા, વનિતાબેન ચૌહાણ, છાયાબેન રાઠોડ તથા દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી કિરણ મોરીના સયુંકત પ્રયાસોથી બાળકીને નવજીવન પ્રાપ્ત થયુ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા અનેક સુવિધાઓ અને સારવાર સરકારી હોસ્પિટલમાં ઉભી કરાઈ છે.

(9:54 am IST)