Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પોરબંદર-અમદાવાદ રાત્રી ફલાઇટ શરૂ કરાશે : જેસીઆઇ દ્વારા સફળ રજુઆત

પોરબંદર તા ૧૫  : પોરબંદર-અમદાવાદ રાત્રીની ફલાઇટ ચાલુ કરાવવા જેસીઆઇની રજુઆત બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવ્યાનું તથા રાજય સરકારે આપ્યા કાર્યવાહીના આદેશ આપ્યાનું જાણવા મળે છે.

પોરબંદર-અમદાવાદ રાત્રી ફલાઇટ ચાલુ કરવા જેસીઆઇ પોરબંદર પ્લસના હોદેદારોએ રાજય અને કેન્દ્ર સરકારને લેખીત પત્રથી રજુઆત કરી હતી. જેસીઆઇની આ રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યાલયથી પોરબંદર અમદાવાદ રાત્રી ફલાઇટ ચાલુ કરવા માટે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા લગત વિભાગોને સુચના આપવામાં આવી છે.

પોરબંદરનું એરપોર્ટ આધુનિજક બનાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં પોરબંદરને પુરતી હવાઇ સેવાનો લાભ મળતો નથી. અત્યારે દરોજ સવારે મુંબઇથી પોરબંદર અને અમદાવાદથી પોરબંદર એમ માત્ર બે જ ફલાઇટ આવે છે. પોરબંદરના મુસાફરોને સવારે અમદાવાદ કોઇ કામ અર્થે અથવા હોસિપટલના કામે કે વેપારી મિત્રોને વેપાર અર્થે સવારે અમદાવાદ જવાનું થાય તે મુસાફરો સાંજ સુધીમાં પોતાનુ કામ પતાવી સાંજે પોરબંદર પરત ફરવા ઇચ્છે, પરંતુ સાંજના સમયે અમદાવાદથી પોરબંદર ફલાઇટ ન હોવાથી આ તમામ મુસાફરો કયાં તો રાત આખી બસ અથવા ખાનગી ટ્રાવેલ્સની મુસાફરી કરવી પડે છે. પોરબંદરને દરરોજ સાંજે અમદાવાદ-પોરબંદર ફલાઇટ આપવામાં આવે તો પોરબંદરના નગરજનોને સારો લાભ મળશે.

પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિના નાતે પણ ખાસ કિસ્સામાં પોરબંદર-અમદાવાદ સવાર-સાંજ બંને ટાઇમ ફલાઇટની સુવિધા આપવા જેસીઆઇ પોરબંદર પ્લસના સ્થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા, પ્રમુખ નિલેશ જોગીયા અને સેક્રેટરી પ્રતિપાલસ્િંહ રાયજાદાએ કેન્દ્ર અને રાજય સરકારને લેખીત રજુઆતો કરી હતી, તેના અનુસંધાને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવને કાર્યવાહી કરવા પત્રથી સુચના આપવામાં આવી છે. આથી જેસીઆઇની રજુઆત બાદ ટુંક સમયમાં પોરબંદરને અમદાવાદ-પોરબંદર રાત્રી વિમાની સેવાનો લાભ મળે તેવા સંકેતો  જણાય આવતાં પોરબંદરની જનતામાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

(12:01 pm IST)