Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કચ્છમાં પોણા બે કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

ભુજ,તા.૧૫:  બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીના આવ્યા પછી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃતિઓ વિરુદ્ઘ કાયદાનો ગાળિયો સખ્ત બન્યો છે. પશ્યિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે બે શખ્સોને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. એસઓજીના એએસઆઈ વાછિયાભાઈ ગઢવીને મળેલી પૂર્વ બાતમીને આધારે મૂળ મોટા બંદરાના અને હાલે કોટડા ચકારના દાતણીયાવાસમાં રહેતા જાકબ ઉર્ફે બબો દાઉદ કુંભાર તેમ જ કોટડા ચકારનો રહેવાસી અને દાતણીયાવાસમાં રહેતો અન્ય શખ્સ આમદશા ભચલશા શેખ ૧ કિલો ૭૪૭ ગ્રામ (પોણા બે કિલો) ગાંજા સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે ૧૦ હજાર ૫૦૦ રૂ. ની કિંમતના ગાંજા ઉપરાંત ૧૩૦૦ રૂ. રોકડા , બે સાદા મોબાઈલ કિ. રૂ. ૬૦૦ જપ્ત કરીને નારકોટિકસ ડ્રગ્સની ગુનાની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

આ પહેલા પણ મુન્દ્રા, માંડવી, ભુજ, ગાંધીધામ માંથી અવારનવાર ગાંજો ઝડપાઇ ચુકયો છે. કચ્છમાં દારૂ પછી હવે ગાંજાનું વધતું જતું ચલણ ચિંતાજનક છે. નશાને રવાડે ચડતી નવી પેઢીને રોકવાનો પડકાર પોલીસ ઉપરાંત સમાજ સામે પણ છે.

(12:01 pm IST)