Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાણવડમાં પોસ્ટ ઓફિસની બારીએ વારંવાર તાળા, કામમાં બ્રેક ઉપર 'બ્રેક'

એક તો ગણ્યો ગાંઠ્યો સ્ટાફ...એમાંયે પાછી કાયમી અછતથી લોકરોષ :રોજે રોજ અનેક ગ્રાહકોને ધરમધક્કા :તાત્કાલિક ધોરણે યોગ્ય નહિ થાય તો સત્યાગ્રહ તાળાબંધી સહિતના ઉગ્ર કાર્યક્રમો

ભાણવડ તા.૧૫ :અહીયા પોસ્ટ ઓફીસમાં સ્ટાફની કાયમી અછત રહે છે. એવામાં ગણ્યા ગાંઠયા સ્ટાફને પણ અન્યત્ર ડેપ્યુટેશન પર મોકલી દેવામાં આવતા તાલુકાભરના લોકોને યાતનાનો સામનો કરવો પડે છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે ગેરહાજરીથી બારી બંધ જ રહેતા લોકોના અનેક પ્રકારના કામો બંધ થવાથી નારાજગી સાથે રોષ પ્રસરવા લાગ્યો છે.

આ અંગે પંથકવાસીઓમાં થતી ચર્ચાનુસાર કામો માટે દૂર-દૂરથી આવતા લોકો બંધ બારી નિહાળી નિરાશ થઇને પરત ફરી જાય છે. પોસ્ટ વિભાગની જામનગર સ્થિત કચેરીના સુપ્રિટેન્ડેન્ટને અનેક લેખીત, ટેલીફોનીક રજૂઆતો કરાયા બાદ પણ સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નહિ હોવાથી નિષ્ક્રિયતા સામે તરેહ તરેહના સવાલો સંભળાઇ રહ્યા છે.

આ અંગે સામાજીક કાર્યકર સંજયભાઇ મહેતાએ પોસ્ટ માસ્તરને લેખીત રજૂઆત કરી છે કે, ગત એપ્રીલની ર તારીખથી ૭ તારીખ સુધી છ દિવસ સુધી વાંસજાળીયા મોકલી દેવાયા ત્યારે પોસ્ટ ઓફીસની બારી બંધ રાખવામાં આવી હતી. એ પછી મે મહિનામાં વધુ બે દિવસ લાલપુર મોકલેલ, એવી જ રીતે જૂનમાં પણ પાંચ દિવસ ધ્રાફા મોકલાતા ઓફીસમાં તમામ કામગીરી બંધ રહી હતી. લાંબા સમયથી આમને આમ જ ચાલ્યુ આવતુ હોવાથી પોસ્ટના નિયમિત ગ્રાહકો વિવિધ બચત યોજનાના એજન્ટો તરફથી અનેક રજૂઆતો બાદ પણ કોઇ પરિણામ મળી શકેલ નથી. જેના  પરિણામે પોસ્ટના ગ્રાહકોને પાકતી મુદ્દતે થાપત મેળવવામાં બચત કરતા ગ્રાહકોને સંકટ સમયે કે બિમારી સમયે જ નાણા ન મળવા તેમજ વિધવા સહાય મેળવતી બહેનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.  ત્યારે લોકોનો પોસ્ટમાં નાણાકીય વહેવાર કરવા પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. જો તાત્કાલીક ઘટતુ કરવામાં નહિ આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા સહિત પોસ્ટ ઓફીસને તાળા બંધી કરવાની ફરજ પડશે એવી ઉગ્ર ચિમકી ઉચ્ચારી છે.

(11:43 am IST)