Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કચ્છ જિલ્લામાં ઢોરી-ઝુરા ખાતે ૨૫૬ બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કલેકટર

બાળકોને અધ્ધવચ્ચેથી શાળા ન છોડાવવા કલે.રેમ્યા મોહનની અમલ

ભુજ, તા.૧૫:જિલ્લા કલેકટર રેમ્યા મોહને રાજય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનાં ૧૬માં શિક્ષણ સેવા અભિયાન અંતર્ગત  આજે ઢોરી અને ઝુરા હાઇસ્કૂલ ખાતેથી પ્રારંભ કરાવતાં છ પ્રાથમિક શાળાના ૨૫૬ પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આજે ભુજ તાલુકાના ઢોરી મુકામે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં ઢોરી હાઇસ્કૂલ તેમજ ચાર પ્રાથમિક શાળાના યોજાયેલા કાર્યક્રમમાં ઢોરી માધ્યમિક શાળા ખાતે ૯૩ બાળકોએ ધોરણ-૯માં પ્રવેશ મેળવ્યો હતો. આજુબાજુની ચાર પ્રાથમિક શાળાના મળી  ૭૯ બાળકોએ ધો. ૧માં પ્રવેશ મેળવ્યો હતો.

જયારે ભુજ તાલુકાના ઝુરા મુકામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ અંતર્ગત ઝુરા હાઇસ્કૂલની સાથે બે પ્રાથમિક શાળાના યોજાયેલા કાર્યક્રમમાં ઝુરા માધ્યમિક શાળા ખાતે ૫૦ બાળકોએ ધો.૯માં અને આજુબાજુની બે પ્રાથમિક શાળાના ૩૪ બાળકોએ ધો.૧માં પ્રવેશ મેળવ્યો હતો.

વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કન્યાઓને ભણાવવા પર ભાર મૂકી કોઇપણ બાળક અધ્ધવચ્ચેથી શાળા ન છોડે તે માટે અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને આ પ્રસંગે એસએમસી, એસએમડીસી અને ગ્રામજનો સાથે શૈક્ષણિક કાર્યો અને શાળાની જરૂરયાતો સંદર્ભેની ચર્ચા કરી હતી.

આ પ્રસંગે  ગામના સરપંચ, આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, શાળાના શિક્ષકો વગેરે તેમજ લાયઝન  અધિકારી સહ સીઆરસી પ્રદીપ યાદવ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(11:30 am IST)