Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બગસરા પાલિકાની સાત વર્ષ બાદ ભાજપના હાથમાં સત્તા

બગસરા, તા.૧પઃ બગસરા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુરી થતી હોવાથી  નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી યોજાઇ હતી. હાલની પરિસ્થિતિમાં બગસરા નગરપાલિકામાં કોંગ્રેસ પાસે અપક્ષના ટેકાથી ૧૪ સભ્યો જયારે ભાજપ પાસે પણ ૧૪ સભ્યો હોવાથી બંને પક્ષો દ્વારા સામેના પક્ષના સભ્યોને તોડવા માટે જોરદાર પ્રયત્નો ચાલુ હતા. જેમાં આજે કોંગ્રેસના એક સદસ્ય મુકતાબેન નળીયાધરા ચૂંટણી સમયે ગેરહાજર રહેતાં કોંગ્રેસ પક્ષે તેર જયારે ભાજપ પાસે ૧૪ સભ્યોનું સંખ્યાબળ હોવાથી ભાજપે પાલિકાને કબજે કરી હતી. ચૂંટણીમાં ચંપાબેન બઢિયા ને પ્રમુખ તરીકે જયારે નિતેશભાઇ ડોડીયા અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બગસરા પાલિકાના પૂર્વ પ્રમુખ રશ્મિનભાઈ ડોડીયા તથા શહેર ભાજપ પ્રમુખ એ. વી. રીબડિયા તથા જીલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગીડા ની કુનેહને કારણે સાડા સાત વર્ષ બાદ ફરીથી બગસરા નગરપાલિકા પર ભાજપે વિજય મેળવી છે. જેથી ભાજપ નાં સભ્યોમાં ઉલ્લાસ છવાયો હતો.

કોંગ્રેસના સદસ્યો દ્વારા છેલ્લી દ્યડી સુધી ભાજપમાં વિખવાદ કરવાના પ્રયત્નો શરૂ રખાયા હતા જેમા કોંગ્રેસ દ્વારા પોતાના પક્ષના મહિલા સદસ્ય નું નામ પ્રમુખ માટે આગળ કરવાને બદલે ભાજપના સદસ્ય રેખાબેન પરમાર નું નામ આગળ કર્યું હતું પરંતુ રેખાબેન પરમારે પોતાના જ મતદાનમાં મત ન આપતા કોંગ્રેસની આ વ્યુંહરચના પણ અસફળ થઈ હતી. અને કદાચ ગુજરાતમાં પ્રથમ વાર આવી દ્યટના બની હશે કે કોંગ્રેસ દ્વારા ભાજપ સભ્યના નામની પ્રમુખ તરીકે દરખાસ્ત કરવામાં આવી હોય જેથી શહેર ભાજપ દ્વારા આ તમામ કોંગી સભ્યો વિરુધ્ધ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ કરી છે.

(11:28 am IST)