Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

૧૫ દિ'થી ખેતી માટે વીજળી ન મળતા તળાજા વિજતંત્રની કચેરી ખાતે હલ્લાબોલઃ પોલીસ બંદોબસ્ત મુકાયો

શહેર-ગામડાના ફીડર બંધઃ અધિકારીઓ ફોન ઉપાડતા નથીઃ ખેડુતો ભરાયા રોષે

ભાવનગર તા.૧૫:તળાજા વિજતંત્રની કચેરીખાતે રાત્રીના નવેક વાગ્યે સાંખડાસર-૧ ગામના ખેડુતો ઉશ્કેરાટ સાથે દોડી આવ્યા હતા. ૧૫ દિવસથી પુરતો વિજપુરવઠો મળતો ન હોઇ અધિકારીને રજુઆત કરવા દોડી આવેલ ખેડુતોના મોબાઇલ રીસીવ ન કરતા રોષે ભરાયેલા ખેડુતોએ તળાજા શહેર સહિત ગામડાઓના ચાર ફીડર બંધ કરવા ફરજ કર્મીઓને મજબુર કરી દીધા હતા. ખેડુતોના વલણના પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

સાંખડાસર-૧ ના ખેડુતોએ રોષનું કારણ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી ખેતીવાડી કનેકશનમાં વિજળી મળતી નથી. જેના કારણે શેરડી કપાસનું વાવેતર કુવાના પાણીના કારણે કર્યુ હોઇ લાઇટ ન હોવાથી પિયત થતું નથી, જેના કારણે હજારો સંખ્યા નું બિયારણ, વાવેતરની મહેનત નિષ્ફળ જાય તેમ છે. જેના કારણે રજુઆતો ધ્યાને ન લેતા અહીં સાઇઠેક જેટલા ખેડુતો દોડી આવ્યા હતા.

અહીં આવીને સંબંધીત અધિકારીઓને મોબાઇલ કરવા છતાં મોબાઇલ પર પણ ખેડુતોની વેદના ન સાંભળતા હોઇ ખેડુતો ગિન્નાયા હતા.

રોષીત ખેડુતોએ ગોકીરો મચાવવાાની સાથે વિજપ્રવાહ જયાંથી આપવામાં આવે છે. ત્યાં એસ.એસ. પર જઇ ઉપરથી કર્મચારીને તળાજા, અંબુજા, મુરલીધર સહિતના ફીડરો બંધ કરી વિજપુરવઠો બંધ કરી દેવા મજબુર કરી દીધા હતા.

ઉપસ્થિત કર્મચારીએ પણ ખેડુતોનો રોષ ની વાત ઉપરી અધિકારીને કરતા અને ખાસ તળાજા શહેરના વિજપુરવઠો બંધ કરી દેવાતા નગરજનોમાં પણ કચવાટની લાગણી ફેલાઇ હતી.

વિજતંત્રના અધિકારીએ તળાજા પોલીસને જાણ કરતા ખેડુતો કોઇ નુકશાન વધુ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ આવતા તળાજા શહેરના બંધ વિજપુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

ભારે પવનના કારણે તુટતા વાયરોને કારણે તથા સ્ટાફ ઓછો હોવાના કારણે નિયમિત  વિજપુરવઠો સપ્લાય કરવામાં તકલીફ પડતી હોવાનું જાણવા મળ્યું હતું.

(9:49 am IST)