Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કચ્‍છ જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ૧૯ માર્ચના રોજ ભુજમાં સૈનિક મહાસંમેલન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : કચ્‍છ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, વીરનારીઓ, સ્‍વર્ગસ્‍થ સૈનિકોના ધર્મપત્‍નીઓ તેમજ તેઓના આશ્રિતો માટે તારીખ ૧૯ માર્ચ રવિવારના રોજ સવારે ૮ કલાકે ભુજ ટાઉનહોલ ખાતે સૈનિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે. જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી ભુજ દ્વારા આયોજિત આ મહાસંમેલન જિલ્લા કલેક્‍ટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે.

આ મહાસંમેલનનો મુખ્‍ય ઉદેશ્‍ય રાજય અને કેન્‍દ્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓ, પેન્‍શન, ઈસીએચએસ, SPARSH તેમજ માજી સૈનિકોના આશ્રિતોને મળતા શૈક્ષણિક લાભોની જાણકારી આપવાનો છે. આ ઉપરાંત કચ્‍છ જિલ્લાના બોર્ડર વિસ્‍તારમાં વસવાટ કરતા માજી સૈનિકો તેમજ સ્‍વ.માજી સૈનિકોના ધર્મપત્‍નીઓના પ્રશ્નોનું તાત્‍કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવશે તેવું મદદનીશ જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી ભુજ કચ્‍છની અખબારીયાદીમાં જણાવાયું છે.

(2:20 pm IST)