Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ભાવનગર :બિન સચિવાલયની પરીક્ષા બીજી વખત રદ થતા પરિક્ષાર્થીઓ નારાજ :જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર

આખા વર્ષની મહેનત અને હવે ભરતીની લાયકાતમાં ફેરફાર કરવા સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો

ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા બિન સચીવાલયની પરિક્ષા બીજી વખત રદ કરાતા પરિક્ષાર્થીઓએ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

  તાજેતરમાં જ લેવામાં આવનારી બિન સચીવાલયની પરિક્ષા સતત બીજી વખત રદ કરવામાં આવી છે. આ પરિક્ષા સૌપ્રથમ તા. ૧૨ ના રોજ ફરીથી રિફૉર્મ ભરવામાં આવ્યાં હતા. જેની ઉમેદવારી આસરે ૧૦.૪૫.૦૦૦ જેટલા પરિક્ષાર્થીઓએ નોંધાવી હતી. જેની પરીક્ષા આવતી તારીખ ૨૦ના રોજ હતી, જેના કોલ લેટર પણ પરિક્ષાર્થીઓને મળી ગયા હતા. પરંતુ બિન સચિવાલયની પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા રદ કરી આ પોસ્ટ માટે માત્ર સ્નાતક ઉમેદવારી નોંધાવી શકે છે તેવી જાહેરાત કરી છે.

   પરિક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર, ૨૦.૦૦૦ જેટલી ક્લાસિસની ફી, રહેવા-જમવાનો ખર્ચ, સમયનો બગાડ, નોકરી ધંધા મુકીને તૈયારી પાછળ મહેનત કરી તે હવે વ્યર્થ થઈ જવા પામી છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદન પાઠવી સરકારની જાહેરાત પ્રમાણે ધો-૧૨ પાસ માંગેલ હોય અને આ જાહેરાતને એક વર્ષ થવા આવેલ હોય ત્યારે પરિક્ષાર્થીઓ સતત ૧ વર્ષથી પરિક્ષાની તૈયારીઓ કરતાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ભરતીની લાયકાતમાં ફેરફાર કરીને પરિક્ષા રદ કરવામાં આવી છે, જેને લઈને પરિક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.

(7:40 pm IST)