Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કેન્યામાં ગુમ મૂળ પોરબંદરના યુવાનને ફસાવી દેતા નાસી ગયાનો પરિવારજનોનો આક્ષેપ

કંપનીમાં કરોડની ગરબડનો આરોપી ખોટો ? સોશ્યલ મીડીયામાં યુવાન અને તેની પત્નીના ફોટા વાઇરલ

પોરબંદર, તા. ૧૪: મૂળ પોરબંદરના અને કેન્યામાં કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જયદીપ રાજુભાઇ થાનકી નોકરી ઉપર ન આવતા ગુમ થતાં કંપનીના ડાયરેકટર દ્વારા કંપની સાથે જયદીપ અને તેની પત્ની ૮ કરોડની ગોલમાલ ચોરી કરી ગયાની ફરીયાદ થયા બાદ યુવાનના પોરબંદરમાં રહેતા પરિવારજનોએ પુત્રને ફસાવવામાં આવેલ હોય જેથી હાલ નાસતો ફરે છે તેવો આક્ષેપ કંપની ઉપર મૂકયો છે.

નૈરોબી શહેરમાં આવેલ કેન મેચ કંપનીમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા મયુર મોઢા (ઉ.વ.૩૬) એ નૈરોબીના ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન ડાયરેકટરને ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત ૧પ ઓગસ્ટના રોજ તેની કંપનીના એકાઉન્ટન્ટ જયદીપ રાજુભાઇ થાનકી નોકરી પર ન આવતા અને સંપર્ક પણ ન થતાં અજુગતું બન્યું હોવાની શંકા જતા જયદીપના ફલેટ પર ગયા હતાં, પરંતુ ત્યાં પણ તાળુ લટકતું જોવા મળતું હતું. જયદીપ એકાએક ગુમ થતાં મયુરભાઇએ તેના સગાસબંધી સહિત ઠેર ઠેર શોધખોળ કરી હતી, પરંતુ તેની ભાળ મળી ન હતી. ત્યારબાદ મયુરભાઇને શંકા જતા કંપનીના હિસાબો તપાસતા કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી અને કરોડો રૂપિયાની ગોલમાલ થઇ હોવાનું જણાવ્યું હતું. તેઓએ ફરીયાદ નોંધાવી છે. મયુરભાઇ એ જયદીપ અને તેની પત્ની પ્રિયાના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યા છે અને જણાવ્યું છે કે જયદીપ આઠ કરોડ રૂપિયાની ચોરી કરી નાસી ગયો છે અને કોઇને તેની ભાળ મળે તો પોતાના નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.

ચાર દિવસ પહેલા જયદીપે ઇમેલ મારફત પોતે નિર્દોષ હોવાનું હાલ જયાં છે ત્યાં સહીસલામત છે તેથી ચિંતા ન કરવા જણાવ્યું હતું. ફરીયાદ નજીકના સબંધી થતાં હોવાનું જાણવા મળે છે.  જયદીપના પોરબંદરમાં રહેતા પરિવારજનોએ કરોડોની ચોરીનો આરોપ ખોટો છે અને જયદીપને ફસાવી દેતા તે નાસી ગયાનો પરિવારજનો આક્ષેપ કરી રહેલ છે.

(1:31 pm IST)