Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગોંડલમાં જુના મનદુઃખમાં ગફારભાઇ ખાટકી પર નાનાભાઇ અને પત્નીનો છરીથી હુમલો

પુત્ર ઇરફાન પર હુમલો થતા વચ્ચે પડેલ ગફારભાઇને ગંભીર ઇજાઃ ઇરફાનને પણ માર માર્યો

રાજકોટ, તા., ૧૪: ગોંડલમાં નાની બજાર મેમણ જમાત ખાનાની અંદર જુના મનદુઃખમાં ખાટકી આધેડને તેના નાનાભાઇ અને પત્નીએ છરીના ઘા ઝીંકી દીધા હતા તેમજ પુત્રને પણ માર માર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભગવતપરા શેરી નં. ર૯/૨ માં રહેતા ગફારભાઇ અહેમદભાઇ ખાટકી (ઉ.વ.પપ)ને તેના નાનાભાઇ દાઉદ અહેમદભાઇ તથા તેની પત્ની અફસાનાબેને છરીના ઘા ઝીંકી દેતા  ગફારભાઇને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે. પોલીસના જણાવ્યા મુજબ જુના મનદુઃખનો ખાર રાખી આરોપી દાઉદે ઇજાગ્રસ્ત ગફારભાઇને કહેલ કે તું શું કામ મારી સામે જોવે છે તેમ કહી ગાળો આપતા ગફારભાઇએ ગાળો આપવાની ના પાડતા દાઉદે નેફામાંથી છરી કાઢી ગફારભાઇના પુત્ર ઇરફાન પર હુમલો કરતા ગફારભાઇ વચ્ચે પડતા તેને ગંભીર ઇજા થઇ હતી. ત્યાર બાદ દાઉદ તથા તેની પત્નીએ ઇરફાનને પણ ઢીકા પાટુનો મારમારી મારી નાખવાની ધમકી આપી હતી.  આ અંગે ગફારભાઇએ તેના ભાઇ દાઉદ તથા તેની પત્ની અફસાના સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે બંન્નેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ બી.એલ. ઝાલા ચલાવી રહયા છે.

(11:47 am IST)