Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભાવનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કાલે પાલીતાણામાં ઉજવણીઃ ૧૧૦૭ ફુટ લાંબા ૧૦ ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા

ભાવનગર તા.૧૪: સ્વાતંત્ર્ય પર્વની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી પાલીતાણા ખાતે નિયત કરાઇ છે. તળેટી રોડ પરની પાલીતાણા હાઇસ્કૂલ ખાતે ૧૫મીએ સવારે ૯ કલાકે રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમાર ફરકાવશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમા પરેડની સલામી તથા નિરીક્ષણ, મંત્રીનું ઉદ્દબોધન, સ્વાતંત્ર્ય સેનાનીઓનું અભિવાદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ, રાષ્ટ્રગીત ગવાશે અને ત્યારબાદ સમારંભ પૂર્ણ થશે તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાશે.

સામાજીક સંસ્થા જેસીઆઇ શેત્રુંજય સીટી પાલીતાણા દ્વારા પાલીતાણા એજયુકેશન સોસાયટીના સહયોગથી ૧૪ ઓગષ્ટ (અખંડ ભારત સ્મૃતિ દિવસ) ના રોજ રાષ્ટ્રીય એકતા અખંડિતતાના પ્રતિક સમા તિરંગા સાથેપાલીતાણામાં ભવ્ય તિરંગાયાત્રા કાઢવામાં આવશે.

આ તિરંગા યાત્રામાં તિરંગો ૧૧૦૭ ફુટ લાંબો તથા ૧૦ ફુટ પહોળો રહેશે જે કદાચ ગુજરાત રાજયના ઇતિહાસનો સોૈથી વિશાળ તિરંગો છે. આ તિરંગા યાત્રાની વિશેષતાએ છે કે વિશાળ તિરંગા યાત્રા પાલીતાણાની ૧૨૦૦ વિદ્યાર્થીની બહેનો દ્વારા યાત્રા કાઢવામાં આવશે. વિશાળ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા તથા જેસીઆઇ સેવા (ઝોન પ્રેસીડેંટ ઝોન-૭) દ્વારાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ વિશાળ તિરંગા યાત્રા રેલ્વે ફાટક પાસે અંકુર વિદ્યાલયથી સવારે ૮-૦૦ કલાકે શરૂ થઇ પાલીતાણામાં ફરશે.(૧.૧૧)

(12:36 pm IST)