Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કાલે સોૈરાષ્ટ્ર-કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ધ્વજ વંદન, પ્રભાતફેરી, દેશભકિત ગીતોનું ગાયન સહિત અનેકવિધ કાર્યક્રમોનું ગામે-ગામ આયોજન

રાજકોટ તા.૧૪: કાલે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ૧૫મી ઓગષ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

કાલે ગામે-ગામ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને રાષ્ટ્રીય તહેવારને ભાવથી ઉજવશે.

કાલે ધ્વજવંદન ઉપરાંત પ્રભાતફેરી, રાષ્ટ્રગીત ગાન, સમુહ દેશભકિત ગીતોનું ગાન સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર

જામનગર : કાલે જામજોધપુર સહકારી મંડળીના મેદાન ખાતે રાજય મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે. તેમજ કલેકટરશ્રી રવિશંકરની યાદીમાં જણાવાયું છે.

જામનગરઃ લાલ બંગલા કમ્પાઉન્ડ

જામનગર : લાલ બંગા કમ્પાઉન્ડ જુની કલેકટર કચેરી જામનગર ખાતે પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષવર્ધનસિંહ એમ. સોલંકીના હસ્તે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરાશે. તેમ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ જામનગરના આર.પી. નંદાણીયાએ જણાવ્યું છે.

ઉપલેટા

ઉપલેટા : સોૈરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકૂલ પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલિત વૃજભુમી આશ્રમ ડુમિયાણી મુકામે આઝાદીના રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગષ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે સંસ્થાની જુદી-જુદી સાત કોલેજો ઉપરાંત કે.જી. થી માધ્યમીક શાળાના ૩૦૦૦થી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનો, પ્રોફેસરો, શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા સવારે ૬ વાગ્યે પ્રભાતફેરી સંસ્થાના વિશાળ ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન સ્થળે શાળા કોલેજના જુદા-જુદા યુનિફોર્મમાં માર્ચ પરેડ અને ત્યારબાદ સવારે ૯ વાગ્યે ગુજરાત સરકારના પુર્વ સંયુકત સચિવ ડંકેશભાઇ ઓઝાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ખાલી સંમેલન યોજવામાં આવશે જેના પ્રમુખ સ્થાને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ. ભાષ રહેશે ત્યારબાદ બપોરે ર વાગ્યે સંસ્થાના વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જેના પ્રમુખ સ્થાને ઉપલેટા મામલતદાર કે.બી. સોલંકી રહેશે.

આ કાર્યક્રમમાં ખેતીશભાઇ પટેલ, શાંતિલાલ ધામેચા, વી.ડી.બાલા, ગીરીશસિંહ ગોહિલ, સોમાભાઇ મકવાણા, નસીમાબેન સુમરા, ડાયાભાઇ ગજેરા, વિઠ્ઠલભાઇ સોજીત્રા, ધર્મેન્દ્ર ભાષા, અસ્મીતાબેન કાલાવડીયા, જયોત્સાનાબેન કનેરીયા સહિત સોૈરાષ્ટ્રભરમાંથી આગેવાનો યુવાનો રાજકીય સામાજીક સેવાકીય આગેવાનો ગામડાના સરપંચો સહકારી મંડળીના પ્રમુખો વિેગેરે વિશાળ સંખ્યામાં હાજર રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રીમતી સવિતાબેન મણવરના માર્ગદર્શન નીચે વૃજભુમી આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી રહયા છે.

ભાવનગર

ભાવનગર : ૭ર માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાના મુખ્ય મથકે ત્રિરંગા યાત્રા અને યાદ કરી કુરબાની કાર્યક્રમનું આયોજન સુચારૂ અને સફળતા પૂર્વક પાર પાડે તે માટે જિલ્લા કલેકટર હર્ષદ પટેલે કામગીરી માટે યાત્રા સમિતિ, સહયાત્રા સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, વાહન વ્યવસ્થા પાર્કીંગ ટ્રાફીક નિયંત્રણ સમિતીઓની રચના કરીને રર જેટલા અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૧૩-૮-૧૮ ના રોજ સાંજે ૧૬ કલાકે કલેકટર કચેરીના આયોજન હોલમાં કલેકટરશ્રી હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સમિતિઓ દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે, કાલે ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન સાંજે પ.૩૦ કલાકે મેયરશ્રીના હસ્તે જવાહર મેદાન ભાવનગર ખાતેથી રબ્બર ફેકટરી, માધવદર્શન, મોતીબાગ, ઘોઘાગેટ, હલુરીયા, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સરદારનગર, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પરીમલ ચોક, રીલાઇન્સ ગેટથી અંદર જવાહર મેદાન ખાતે મસાલ પ્રજલિત કરીને સંકલ્પ પત્ર દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવશે. પોલીસ એસ્કોટીંગ સાથે સાંજે પ.૩૦ વાગે શરૂ કરીને ત્રિરંગા યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરશે. અને સાંજે ૬.૩૦ કલાકે પૂર્ણ કરવા સમિતિમાં નિમણૂંક પામેલા અધિકારીઓ-કર્મચારીને સુચના આપી હતી. અને અરસ-પરસ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. (પ-૧૪)

 

(12:42 pm IST)