Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલ લાલિયાવાડી સામે નિવૃત્ત સૈનિક મેદાને ઉતર્યા

ધોરાજી સરકારી હોસ્પિટલમાં સીએમ સેતુ અંતર્ગત એકના બદલે બીજા ડોક્ટર ફરજ બજાવતા હોવાનો આક્ષેપ :રાજ્યના આરોગ્ય મંત્રી ને લેખિત રજૂઆત કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજી સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદના વંટોળમાં ઘેરાય છે ત્યારે ધોરાજીના સામાજિક કાર્યકર અને નિવૃત આર્મીમેન ગંભીરસિંહ વાળાએ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી સામે પ્રશ્નાર્થ ઊભો કરી રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત પત્ર પાઠવી ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવા અપીલ કરી છે.
લેખિત રજૂઆતમાં ગંભીરસિંહ વાળા જણાવેલ કે તાજેતરમાં એક મહિલા પાસે પ્રસૂતિ કરાવવા નામે ડોક્ટર દ્વારા 5,000 રૂપિયાની માગણી કરવામાં આવી હોય તે સંદર્ભે તપાસ કરવા તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટર પર આક્ષેપ છે તે ડોક્ટર સીટી ફળદુ અને તેમના ધર્મપત્ની પણ ડોક્ટર તરીકે સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવે છે. જે મહિલાની પ્રસૂતિ હતી તેઓના જણાવ્યા મુજબ એ મહિલાનું ઓપરેશન ડોક્ટર સીટી ફળદુએ કર્યું હતું જ્યારે ઓપરેશન કરવામાં સરકારી ચોપડે ડોક્ટર ફળદુ ના ધર્મ પત્ની ડોક્ટર જીજ્ઞાબેન ફળદુ ની સહી થયેલ છે અમારી જાણ મુજબ મહિલા ડોક્ટર ધોરાજી સરકારી હોસ્પિટલમાં લગભગ હાજર રહેતા નથી તો સીએમ સેતુ અંતર્ગત એક ડોક્ટર કામ કરે અને બંનેના પગાર ચૂકવાતા હોય એવું કોભાંડ તો ચાલતું નથી ને ?
આ પ્રકારનો આક્ષેપ સહ રાજ્યના આરોગ્ય મંત્રી જિલ્લા આરોગ્ય અધિકારી અને ધોરાજી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
  અત્રે ઉલ્લેખનીય છે તે કોરોના કાળમાં કોવીડી સેન્ટરની કામગીરી સામે ધોરાજી ભાજપના આગેવાન દ્વારા સરકારી હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ હતી. ત્યારબાદ મહિલા પાસે પ્રસુતિના નામે પૈસા માગ્યા હોવાનો આક્ષેપ અને હવે ડોક્ટરોના મામલે કુલ મળી ધોરાજી હોસ્પિટલ સામે ઉચ્ચ કક્ષાએ અનેકવિધ ફરિયાદો પહોંચી છે.

(6:45 pm IST)