Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પાટીદાર ચળવળથી મતોના ધ્રુવીકરણનો માર્ગ ખૂલશે ?

પાટીદારને મુખ્યમંત્રી તરીકે જોવા ઇચ્છતા નરેશ પટેલના નિવેદનથી રાજકીય વમળો : ચૂંટણી ટાણે જ્ઞાતિ આધારિત 'માહોલ' બને તો અન્ય જ્ઞાતિઓનું વલણ નિર્ણાયક : સંભવિત અસરો અંગે અલગ અલગ મત

રાજકોટ તા. ૧૪ : શનિવારે કાગવડના ખોડલધામના આંગણે કડવા - લેઉવા પાટીદાર સમાજના મોભીઓની બેઠક મળેલ. જેમાં જ્ઞાતિ સંગઠન અને ઉત્કર્ષની સાથે રાજકીય ચર્ચા થતાં રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચાયું છે. પાટીદારને મુખ્યમંત્રી તરીકે જોવાની ઇચ્છતા દર્શાવતું નરેશ પટેલનું નિવેદન ચર્ચાની એરણે છે. તેમના આ નિવેદનની અન્ય જ્ઞાતિઓ પરની સંભવિત અસરો અંગે ચર્ચા શરૂ થઇ છે. પાટીદાર ચળવળ આગળ ચાલે તો ચૂંટણી વખતે મતોના ધ્રુવીકરણનો માર્ગ ખૂલી શકે તેવું સમીક્ષકોનું માનવું છે.

ગુજરાતમાં પાટીદાર સમાજની તાકાત વિશે કોઇ બેમત નથી પરંતુ આ તાકાતનો કોઇની તરફેણ કે વિરોધમાં ખૂલ્લેઆમ ઉપયોગ અન્ય સમાજને ભેગા કરવામાં નિમિત બની શકે છે. ધાર્મિક સંસ્થામાં રાજકીય પ્રવૃત્તિ કરવા સામે ખુદ પાટીદાર સમાજમાં જ અવાજ ઉઠયો છે. જ્ઞાતિ પ્રેમ અને જ્ઞાતિવાદ બન્ને વચ્ચે તફાવત છે. ભૂતકાળના અનુભવો સામે જ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢેક વર્ષની વાર છે. અત્યારથી જ રાજકીય છાંટવાળી હિલચાલ શરૂ થઇ તેની પાછળ કોઇનું ઉંડુ ગણિત હોવાનું માનવામાં આવે છે. ગુજરાત ભાજપ સંગઠન અને સરકાર વચ્ચેના સબંધોની વાત જાણીતી છે. કયાંક અંદરખાનેથી કે ઉચ્ચ કક્ષાએથી કોઇનો દોરી સંચાર હોવાની શકયતા નકારાતી નથી. ખોડલધામની બેઠકના સંભવિત પડઘા અંગે જુદી-જુદી વાતો થઇ રહી છે.

(1:15 pm IST)