Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોરબંદરના દરિયામાં ઝેરી કેમીકલ્સ યુકત પાણી છોડાશે તો માછીમારો અને ખેડૂતો આંદોલન કરશે : અર્જુનભાઇ

પ્રદુષણયુકત પાણીની પાઇપલાઇન ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થવા દેશે નહીં : પ્રદુષિત જળના નિકાલ માટે શુધ્ધીકરણ પ્લાન્ટ બનાવવા માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ : જેતપુરથી પોરબંદર સુધીના ઝેરી કેમીકલયુકત પાણી છોડતા ઉદ્યોગોના લાભાર્થે પ્રદુષિત કેમિકલયુકત જળ સીધું જ પાઇપલાઇન મારફેત દરીયામાં પધરાવવાની રૂ. ૭૦૦ કરોડની રાજય સરકારની યોજના દરિયાઇ જીવસૃષ્ટિનો નાશ કરશે અને કાંઠાળ વસ્તી માટે શ્રાપ રૂપ છે તેમ પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવીને ઝેરી કેમીકલ્સવાળુ પાણી દરિયામાં છોડાશે તો માછીમારો અને ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

અર્જુનભાઇએ જણાવેલ કે રૂ. ૭૦૦ કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં રાજકોટ જીલ્લાના જેતપુરના ઉદ્યોગોનું રોજનું ૮૦ કરોડ લીટર પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફેત પોરબંદરના દરિયામાં ઠલવાશે. જેતપુરના સાડી ઉદ્યોગના યુનિટો  રોજના ૮૦ કરોડ લિટર પ્રદુષિત કેમિકોલયુકત પાણીને દરીયામાં ઠાલવવા રૂ. ૭૦૦ કરોડની પાઇપલાઇનનું ટેન્ડર બહાર પડાયું છે.કેમિકલ યુકત પ્રદુષિત જળ દરિયામાં ઠાલવાશે તો માછીમારી વ્યવસાયને મૃત્યુઘંટ વાગશે. દરિયામાં અનેક પર્યાવરણીય અવળી અસરો થશે. દરિયા કાંઠાના લોકોના આરોગ્યને ભારે નુકશા દરિયાકાંઠા વિસ્તારની બાગાયત, ખેતી અને પશુધનને નુકશન, પ્રવાસન ઉદ્યોગનો એકડો નીફકળી જશે.

પાઇપલાઇન યોજનાને પડતી મુકીને મોટાપાયે પ્રદુષિત જળ શુધ્ધીકરણના પ્લાન્ટ ઉભા કરવા અને શુધ્ધ થયેલા પાણીનો પુઃ ઉપયોગ કરવા અને વધારાનું પાણી ખેડૂતોને આપવાની માંગણી અર્જુનભાઇ મોઢવાડીયાએ કરી ને પ્રદુષણ પાણીની પાઇપલાઇન ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થવા નહીં દે. કાંઠાળ વિસ્તારના ગામડા-શહેરોના નાગરિકો, માછીમારો અને ખેડૂતો આંદોલન કરશે. તેવી ચમકી અર્જુનભાઇ મોઢવાડિયાએ આપી છે.

ભાજપ સરકારે વેરાવળથી વાપી સુધીની ઔદ્યોગિક કેમીકલ પ્રદુષિત ઝેરી જળને રૂ. પપ૦૦ કરોડની પાઇપ લાઇન મારફત દરિયામાં પધરાવવાની યોજનાને દરિયાઇ જીવસૃષ્ટિને નષ્ટ કરનારી. દરિયાકાંઠે વસ્તા કરોડો લોકો ખેડૂતો-માછીમારો અને પશુધનને હાજી પહોંચાડનારી અને દરિયા કિનારાની જમીનનો વિનાશ કરનારી ગણાવીને ઔદ્યોગિક કેમિકલયુકત ઝેરી જળને શુધ્ધ કરીને તેનો પુનઃ ઉપયોગ કરવાની યોજના બનાવવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ માંગણી કરી હતી.

અર્જુનભાઇએ પ્રદુષણ ઓકતા ઉદ્યોગના લાભાર્થે સમુદ્રને ઝેરી કેમીકલયુકત બનાવવાની ભાજપ સરકારની યોજનાનો પદાર્ફાશ કરતા જણાવ્યું હતુ કે રાજય સરકારની પોતાની ફાઇલ નોંધ અનુસાર વેરાવળથી વાપી સુધીના કેમીકલ અને પ્રોસેસીંગ આધારિત ઉદ્યોગોને કારણે ભુગર્ભ જળ અને નદી-નાળાંના જળ ભારે પ્રદુષિત થયા છે. તેને કારણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતના ૪૩ ઝોનને ક્રિટીકલી પોલ્યુટેડ જાહેર કરેલ છે તે પૈકી ૭ ઝોન તો ગુજરાતના છે.

આ યોજના સાકાર થશે એટલે દરિયામાંની જળસુષ્ટિનો સંપૂર્ણ નાશ થશે. સૌથી મોટી અસર માછીમારો ઉપર નભતા સમાજને થશે. આમેય નદી-નાળાં મારફત વધતે-ઓછે અંશે પ્રદુષિત જળ દરિયામાં જતું હતું હવે તો પ્રદુષણની બારેમાસ નદીઓ વહેચવાની છે. દરિયો પ્રદુષિત થતાં અનેક પ્રકારની પર્યાવરણીય આફતો આવશે. પ્રદુષિત પાણી જળચર પ્રાણીઓ, માછલીઓના પેટમાં જતા અનેક નવા રોગનો ભોગ આ જળચર પ્રાણીઓ બનશે અને તેને કારણે માનવજાત ઉપર પણ નવા રોગો ઉત્પન થવાના છે. માછલીઓની ગુણવતા ઉપર અનેક પ્રકારની અસર થવાથી મત્સ્ય ઉત્પાદનની નિકાસ ઉપર પણ અસરો થશે.

આ કેમીકલો દરિયામાં જશે એટલે વાયુ પણ પ્રદુષિત થશે અને તેને કારણે કાંઠાળ વિસ્તારની વનસ્પતિ અને ખેતીને પણ ભારે નુકશાન થશે. દરિયા કાંઠે વસ્તા નાગરીકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઉભો થવાનો છે.

અર્જુનભાઇ રાજય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે આ ઝેરી કચરો લઇ જતી પાઇપ લાઇનના કોઇપણ ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થવા નહીં દે, કાંઠાળ વિસ્તારના શહેરો અને ગામડના નાગરિકો, માછીમારો અને ખેડૂતોના સાથ સહકારથી સત્યાગ્ર કરીને આ ઝેર ફેલાવનારી યોજનાને અટકાવવામાં આવશે.

(1:04 pm IST)