Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પૂ. લાલબાપુ - પૂ.રાજુબાપુના ૨૧ મહિનાના અનુષ્ઠાન પૂર્ણ

ગુફામાં પોણા બે વર્ષ સાધના કરી : ૩ાા - ૪ લાખ ભાવિકો દર્શનાર્થે આવશે : કોઈ ફંડફાળા નહિં : ૧૦૦૦ વિઘામાં ભવ્ય આયોજનઃ ૪થી માર્ચે વિજયભાઈની ઉપસ્થિતિમાં બહાર પધારશે : માનવ મહેરામણ ઉમટી પડશે : મહાપ્રસાદ : વિકલાંગ સહાય કેમ્પ : ઉપલેટા નજીક વેણુના કાંઠે આવેલ સુપ્રસિદ્ધ - પવિત્ર ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ધર્મભીનો ઉત્સવ

રાજકોટ, તા. ૧૩ : આગામી ૪થી માર્ચે ઉપલેટા નજીક વેણુ નદીના કાંઠે, રમણીય  - કુદરતી સૌંદર્યથી ભરપૂર પૂ.સંત લાલબાપુના ગધેથડ ખાતેના આશ્રમે મહાઉત્સવ યોજાઇ રહ્યો છે.

એકપણ પૈસાના ફંડફાળા વિના ૧૦૦૦ વિઘામાં ઉપલેટા અને તાલુકાના ૧૦૦ ગામોના લોકો ઉપરાંત પૂ. લાલબાપુ - પૂ.રાજુબાપુના હજારો - લાખો શ્રદ્ધાળુઓ અહીં મહાપ્રસાદ લેશે.

પૂ. લાલબાપુ અને પૂ. રાજુબાપુએ ૨૧ મહિના સુધી સંપૂર્ણ એકાંતવાસ, ભૂગર્ભ ગૂફામાં રહી અનુષ્ઠાન કર્યુ છે. સૂર્યનારાયણના દર્શન સુદ્ધા આ ૨૧ મહિનામાં કર્યા નથી.

૪થી માર્ચે ગધેથડ આશ્રમના પૂ.લાલબાપુ અને પૂ.રાજુબાપુ સાંજે ૪ પછી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પોણા બે વર્ષના એકાંતવાસમાંથી બહાર આવશે અને ઉપસ્થિત લાખો લોકોને દર્શન આપશે. મુખ્યમંત્રીશ્રીના આગમન સંદર્ભે હેલીપેડ તૈયાર થઈ રહ્યુ છે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હજારો ભાવિકો સ્વયં સેવા આપી રહ્યા છે.

અંદાજે ૩ાા થી ૪ લાખ લોકો ૪થી માર્ચે લાઈવ અડદીયાના લચકા સહિત પૂર્ણ પ્રસાદનો લાભ લેશે તેવો અંદાજ છે.૧૦૦૦ વિઘા જગ્યા ઉપર આખુ માઈક્રો પ્લાનીંગ થયુ છે. જબ્બર પાર્કીંગ ઉપરાંત અવિરત ચાની સેવા ચાલુ રહેશે. ભાવિકોને કોઈ અસુવિધા ન થાય તેની પૂરી કાળજી લેવાઈ રહી છે.

ઉપલેટા સમસ્ત, તાલુકાના ૧૦૦ ગામો, હજારો - લાખો ભાવિકોને મહાપ્રસાદ અપાશે, આખા તાલુકામાં ગાયોને નીરણ, ચકલાને ચણ, કીડીયારા પુરાશે, કૂતરાઓને લાડવા, તળાવમાં માછલીઓ માટે બુંદી સહિતના આયોજનો થયા છે.

દરમિયાન ઉપલેટાથી અમારા પ્રતિનિધિ જગદીશ રાઠોડ જણાવે છે કે વેણુ નદીને કાંઠે આવેલા ગધેથડના ગાયત્રી આશ્રમના સંત પૂ.લાલબાપુ તથા તેમના શિષ્ય પૂ.રાજુબાપુના ૨૧ મહિનાના એકાંત અનુષ્ઠાન ૩જી માર્ચે પુર્ણ થતા હોય આ પ્રસંગે અહિંની સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા ગાયત્રી આશ્રમના સંપુર્ણ આર્થિક સહયોગથી વિકલાંગ સાધન સહાય કેમ્પનુ ભવ્ય આયોજન રવામા આવેલ છે.  પૂ. લાલબાપુ અને પૂ. રાજુબાપુ એ ૪ થી માર્ચે એકાંતવાસમાંથી બહાર આવશે.

ધર્મોત્સવમાં અગાઉ પૂ. લાલબાપુની પ્રેરણાથી આવોજ વિકલાંગ કેમ્પ યોજાયેલ જેમા ૨૫૦ થી વધુ દર્દીઓને જુદા જુદા દાતાઓના સહયોગથી રૂપિયા પાંચ લાખ જેવી માતબર રકમના સાધનો વિનામુલ્યે આપવામા આવેલ હતા. આવુ જ સેવાકીય સરાહનીય કાર્ય ફરીથી આ આશ્રમમાં  થઇ રહ્યુ છે. તેમા પણ જરૂરીયાતમંદ વિકલાંગ દર્દીઓને તપાસી તેમને જરૂરી દવા કૃત્રિમ હાથ પગ, કેલીપર્સ, ઘોડી, વોકીંગ સ્ટીક, સર્જીકલ બુટ, વોકર, ફૂટ ડ્રોપ સહીતના સાધનો વિગેરે વિનામુલ્યે આપવામા આવશે.

કેમ્પનો લાભ લેવા માટે વિઠ્ઠલભાઇ સોજીત્રા મો. ૯૪૨૮૨ ૭૯૨૨૦, વજુભાઇ પરમાર મો. ૯૯૯૮૬ ૬૧૯૯૧, જીતુભાઇ પરમાર મો.૯૮૭૯૩ ૯૩૨૬૦, કિશનભાઇ રૂપાપરા મો. ૯૯૯૮૫ ૬૪૧૮૧ અને જમીનભાઇ લુણાગરીયા ૯૪૦૯૦ ૯૭૩૬૧ ઉપર નામ નોંધાવી શકે છે.

કેમ્પ માટે પૂ.દોલુબાપુના માર્ગદર્શન નીચે ભારત વિકાસ પરિષદ ગીરીશભાઇ શીશાંગીયા પ્રમુખ તેમજ મહામંત્રી વિજયભાઇ ગજેરા સહિતના સભ્યો અને મંદિરના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:38 am IST)