Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

બુધવારે જેતપુર શ્રી મોટી હવેલીના ભવ્ય નૂતન મંદિર નવનિર્માણનું ભૂમિપૂજન - ખાતમુહૂર્ત

(નિતીન વસાણી દ્વારા) નવાગઢ તા. ૧૩ : સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને વધાઈ આપતા આનંદ થાય છે કે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ જેતપુર દ્વારા શ્રી મદનમોહન પ્રભુની કૃપાથી તેમજ અનંત શ્રી વિભૂષિત જગદ્ગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના વંશાવંશત નિ.લિ.પૂ.પા.ગો. ૧૦૦૮ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી તેમજ જેતપુર ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજશ્રીનીઆજ્ઞા અધ્યક્ષતામાં અને પૂ .પા.ગો. શ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનથી શ્રી હરિ-ગુરૂ-વૈષ્ણવના સુખાર્થે, શ્રી નૂતન મંદિર નવ નિર્માણ મોટી હવેલીનું નવનિર્માણ જેતપુર-ગુજરાત માં થવા જઈ રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી હવેલીના ગાદીપતિ તેમજ સમિતિના મુખ્ય હોદેદારો જેમાં પ્રમુખ રાજુભાઈ પટેલ, ઉપપ્રમુખ ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા ઉપરાંત શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ કે જેઓ નિયમિતપણે આ હવેલીના દરેક ઉત્સવોમાં, દર્શનમા હાજરી આપતા હોય અને પોતાની તન, મન અને ધનરૂપી સેવાઓ પુરી પાડતા હોય,જેઓ હવેલી શહેરથી દૂર અને થોડા ગીચ વિસ્તારમાં હોય કે જયાં સુધી સ્કૂટર કે રીક્ષાપણ માંડ માંડ ઢાળ ચડીને જઇ શકતા હોય વૈષ્ણવોને અને શ્રી વલ્લભકુલને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડતી, છતાં વૈષ્ણવતાનો ભાવ કાયમી રાખી દરેક ઉત્સવોમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઠાકોરજીના તત્સુખનો વિચાર કરતા.પરંતુ કહેવાય છે ને કે 'પ્રભુ ઈચ્છા બળવાન,' જયાં સુધી ઠાકોરજીને પ્રસન્નતા ન થાય ત્યાં સુધી આ કાર્ય પરિપૂર્ણ નહોતું થતું. આમ સમય જતા શ્રી મદન મોહન પ્રભુની અસીમ કૃપાથી, શ્રી વલ્લભકુલ ના અથાગ પરિશ્રમથી અને હોદ્દેદારોના પ્રયત્નથી એક એવી વિશાળ જગ્યા નક્કી થઈ કે જયાં એક સંપૂર્ણ હવેલી ને લગતી તમામ સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય.

શહેરની મધ્યમાં અને પોશ એરિયામાં રહેલી આ જગ્યાને પવિત્ર તેમજ પાવન બનાવવા નવનિર્મિત પામવા જઈ રહેલા આ ભવ્ય નૂતન મંદિરનું ભુમીપુજન તથા ખાતમુહૂર્ત આગામી માગશર સુદ બુધવાર તારીખ ૧૫ના રોજ બપોરે ૧.૦૦ કલાકે ભૂમિપૂજનની કાર્યવાહી શરૂ થશે, બપોરે ૩.૦૦ કલાકે ગૌ પૂજન અને પછી ૩.૩૦ કલાકથી મહારાજશ્રીના વચનામૃત અને ત્યારબાદ મનોરથીઓના ઉપરણા આશીર્વાદથી સન્માન કરવામાં આવશે. ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત જેતપુર ગાદીપતિ વૈષ્ણવાચાર્ય અને આ નવનિર્માણના સર્વાધ્યક્ષ પૂ.પા.ગો શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના કરકમલો થી સંપન્ન થશે જેમાં દરેક વૈષ્ણવો પરિવાર સાથે આમંત્રિત છે.

શહેરની મધ્યમાં અને રહેણાંક વિસ્તારમાં નવનિર્માણ પામવા જઈ રહેલા આ નૂતન મંદિરની શબ્દરૂપી એક ઝાંખી જણાવીએ તો સરદાર ચોકથી ધોરાજીરોડની કેનાલ તરફ જતા અમરધામ સોસાયટીમાં આવેલ આ વિશાળ જગ્યામાં શ્રીઠાકોરજીનું ભવ્ય મંદિર, શ્રી વલ્લભકુલ આવાસ, વૈષ્ણવ આવાસ તેમજ વૈષ્ણવ પ્રસાદ પરિસર અને પ્રભુને સૌથી પ્રિય એવી ગાયો માટે પુષ્ટિ પ્રભુની ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવશે.ઉપરાંત સંસ્કાર કેન્દ્ર અને MYM સંચાલિત પુષ્ટિ પાઠ શાળા અને પુસ્તકાલય સાથેના જુદા જુદા પરિસરનું અદ્યતન બાંધકામ થશે.

આટલું વિશાળ અને ભવ્ય નિર્માણ કોઈ એક કાર્યકર કે કોઈ એક સમિતિથી પૂર્ણ ન કરી શકાય.માટે લાંબા સમય સુધી જેનું નિર્માણ કાર્ય ચાલવાનું હોય મુખ્ય સમિતિ ઉપરાંત અનેક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં નિર્માણ સમિતિના પ્રમુખ તરીકે શહેરના ઉદ્યોગપતિ જયશ્રી ગ્રુપના રાજુભાઈ પટેલ અને ચેરમેન તરીકે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સેવા આપશે.

આ ઉપરાંત જુદા જુદા શહેરોમાં સેવાભેટ માટે વૈષ્ણવો કાર્યરત રહેશે, ભંડોળ સમિતિ, બાંધકામ સમિતિ, પ્રચાર સમિતિ, વહીવટી સમિતિ, કારોબારી સમિતિ ઉપરાંતની અનેક નાની મોટી સમિતિઓ નિર્માણ કાર્યમાં અંત સુધી કાર્યરત રહેશે.

આમ, શહેરમાં અત્યારે દરેક વૈષ્ણવો આતુરતાપુર્વક આનંદવિભોર છે ત્યારે આ ભુમીપુજન અને ખાતમુહૂર્તના દિવ્ય પ્રસંગે આપ સર્વે પરિવાર સહિત ઉપસ્થિત રહી આ દિવ્ય કાર્યમાં આપનો સાથ સહકાર પૂરો પાડશો એવું શ્રી મદન મોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ તેમજ ઉત્સવ સમિતિ અને શ્રી મોટી હવેલી શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાય દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

(12:41 pm IST)