Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ભાવનગરની શાન સમાન પીળી ચાંચવાળા ઢોક બગલાની સંખ્યા ઘટી :ફક્ત 800 જેટલા જોવાયા

ગંગાજળિયા તળાવ અને મોટા વૃક્ષો ઢોક બગલાની વસાહત : સંખ્યા ઓછી થવા પાછળ તાઉતે વાવાઝોડાની અસર જવાબદાર

ભાવનગરમાં પીળી ચાંચવાળા ઢોક બગલાની આ શિયાળામાં ફક્ત 800 જેટલી સંખ્યા દેખાઈ રહી છે.શહેરમાં સૌથી વધારે પીલ ગાર્ડન, મોતીબાગ, ટાઉનહોલ, વડવા અને ગંગાજળિયા તળાવના વિસ્તારમાં તેઓ જોવા મળે છે. ગત શિયાળે અંદાજે 1200થી 1300 જેટલા પેઈન્ટેડ સ્ટોર્ક (પીળી ચાંચ વાળા ઢોક બગલા) શહેરમાં નોંધાયા હતા.

આ વર્ષે ઢોક બગલાની સંખ્યા ઓછી હોવાનું મુખ્ય કારણ તાઉતે વાવાઝોડાની ભાવનગર શહેરમાં થયેલી વિનાશક અસર છે. આ વાવાઝોડા દરમિયાન ઘણા ઊંચા વૃક્ષો જમીનદોસ્ત થયા હોવાથી પક્ષીઓ તેમનું રહેઠાણ ગુમાવ્યું છે,આ ઉપરાંત કેટલાક અંશે ગંગાજળિયા તળાવનો વિકાસ પણ પક્ષી સંખ્યા માટે હાનિકારક પુરવાર થયો છે.

ભાવનગરના પક્ષીવિદો અનુસાર, અહીં ફક્ત શિયાળામાં દોઢ લાખથી વધારે રંગબેરંગી પક્ષીઓ જોવા મળતા હોય છે. ઢોક બગલાઓ ઊંચા અને ઘટાદાર વૃક્ષો પર માળો બનાવે છે. આ તમામ માળાના સમુહને હેરોનરી કહેવામાં આવે છે. ભાવનગરમાં મોતીબાગ અને ગંગાજળિયા તળાવ ખાતે આવેલી હેરોનરી અંદાજે 500 વર્ષ જૂની ગણવામાં આવે છે.

હાલમાં જોવા મળી રહેલ ઢોક બગલાનું નેસ્ટિંગ એટલે કે માળા બનાવવાનું કાર્ય શિયાળા પહેલા થઈ ચૂક્યું છે. હાલમાં તેમના બચ્ચાં મોટા થઈ રહ્યા છે. આ 250 જેટલા નાના બચ્ચાંઓ ઋતુ પ્રમાણે લીલ અને નાની માછલીઓનો આસ્વાદ માણતા હોય છે. કેટલીક લીલ ખાવાથી પાણીની આસપાસ રહેતા પક્ષીઓમાં રંગનું નિર્માણ થતું હોય છે

રાજહંસ નેચર ક્લબના જણાવ્યા અનુસાર, પક્ષીઓ પોતાનું નિવાસ્થાન કુદરતી કે કૃત્રિમ રીતે કે પછી ખોરાક ગુમાવવાના લીધે જે-તે વિસ્તારમાંથી લુપ્ત થતાં હોય છે. ભાવનગરમાં વધારે પક્ષીઓ આવવાનું સૌથી મોટું કારણ અહીંના અઢળક જલ પ્લાવિત વિસ્તારો પણ છે. કોઈપણ પક્ષીઓ ગયા વર્ષે જે ઝાડ પર માળો બનાવતા હોય છે, બીજા વર્ષે પણ તે જ ઝાડ પણ માળો બનાવે છે. આથી ખૂબ જરૂરી છે કે, વૃક્ષોને ફરીથી વાવવામાં આવે.

ભાવનગરના કમિશનર એમ. એ.ગાંધી પોતે એક પર્યાવરણ પ્રેમી છે અને ભાવનગરમાં ઇકોબ્રિક પાર્કના પ્રણેતા પણ છે. તેઓએ જણાવ્યું છે કે, પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓની સાથે રહીને મોટા અને અગત્યના વૃક્ષો ન કપાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ભાવનગરમાં પક્ષીઓની ખુબ સમૃદ્ધ હાજરી છે અને તેમના રહેઠાણોનું નિકંદન ના થાય તે તંત્રની પણ જવાબદારી છે.

  •  

(11:10 pm IST)