Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કાલે પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં સંતવાણી એવોર્ડ અર્પણવિધિ

હેમંત ચૌહાણ, ચતુરસિંહ જાડેજા, વિજય મકવાણા, રતન ભારથીનું સન્માન કરાશે

ભાવનગર-કુંઢેલી, તા., ૧૩: તલગાજરડા (તા.મહુવા) ખાતે આગામી તા.૧૪ ને ગુરૂવારના રોજ ભજનના મર્મીઓ દ્વારા ભજન વિચાર સંગોષ્ઠિ યોજાશે. તેમજ પૂ.મોરારીબાપુ દ્વારા ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય (સંતવાણી)ના ગાયકો-વાદકો તેમજ સંતવાણીના આદિ સર્જકને સતતત બારમાં વર્ષે સંતવાણી એવોર્ડ અર્પણવિધિ થશે. પૂ.મોરારીબાપુની સન્નિધિમાં પ્રતિવર્ષની જેમ કારતક વદ બીજના રોજ અહીના ચિત્રકુટ ધામ મધ્યે સાંજના  ૩ થી ૬ કલાક વચ્ચેની સંગોષ્ઠિમાં ભજન વિચાર વિષય તળે રવજી રોકડના સંયોજન હેઠળ દર્શના ધોળકીયા નાથ સંપ્રદાયની વાણી વિશે વકતવ્ય આપશે. જયારે સંતવાણીના આદિ સર્જક સંત કવિ શ્રી રવિ સાહેબ વિશે દલપત પઢીયાર રજુઆત કરશે તેમજ ભજન સ્વરૂપ વિચાર... શિર્ષક તળે રૂપકાત્મક ભજનોના પ્રકાર બંગલો અને હાટડી વિશે નિરંજન રાજયગુરૂનું વકતવ્ય થશે.

આ વર્ષના સંતવાણી એવોર્ડના પ્રદાન વિધિનો કાર્યક્રમ રાત્રીના આઠ વાગ્યે યોજાશે. જેમાં પ્રથમ સંતવાણીના આદિ સર્જકની વંદના અંતર્ગતનો એવોર્ડ શ્રી રવિ સાહેબની જગ્યા શેરખી (તા.જી.વડોદરા)ના પ્રતિનિધિ સ્વીકારશે. ભજનીકનો એવોર્ડ પ્રસિધ્ધ ભજનીક હેમંત ચૌહાણ (રાજકોટ)ને જયારે વાદ્યસંગત તબલા માટેનો એવોર્ડ ચતુરસિંહ જાડેજા (ભુજ)ને તથા વાદ્યસંગત બેન્જો માટે મોરબીના વિજય મકવાણા તેમજ વાદ્યસંગત મંજીરા માટેનો એવોર્ડથી રતન ભારથી (માંડવી-કચ્છ)ને સુત્રમાલા, શાલ, સન્માન પત્ર  તેમજ એવોર્ડ રાશી સાથે સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ પૂ.મોરારીબાપુનું પ્રાસંગીક વકતવ્ય થશે અને બાદમાં સુપ્રસિધ્ધ ભજનીકો દ્વારા ભજન-સંતવાણીની પ્રસ્તુતી થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય-સંતવાણીના ગાયકો-વાદકો કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને વહેતી રાખવામાં પોતાની આજીવન ગાન ઉપાસના/વાદ્ય ઉપાસના દ્વારા સેવા આપી છે તેવા વિદ્યમાન ભજનીક અને વાદ્યસંગીતકારોને પૂ.મોરારીબાપુ દ્વારા સંતવાણી એવોર્ડથી સને ર૦૦૮ના વર્ષથી સંતવાણી એવોર્ડથી વંદના કરવામાં આવે છે. આ જાહેર કાર્યક્રમમાં રસ ધરાવતા સૌ ભજન પ્રેમીઓ સાદર નિમંત્રીત છે તેમ કાર્યક્રમના સંકલનમાં રહેલા કવિ/ગાયક હરિશ્ચંદ્ર જોશીએ જણાવ્યું છે.

(11:59 am IST)