Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

જૂનાગઢમાં સગા દીકરાને છેડતી-બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી : ૧ લાખ પડાવી લીધા

પિતા સહિત ૧૩ શખ્સો સામે પુત્રની ફરીયાદ

 જુનાગઢમાં સગા દીકરાને છેડતી-બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સગા બાપ સહિત ૧૩ શખ્સોએ રૂ. ૧ લાખ પડાવી લીધા હોવાની ફરીયાદ થતા ચકચાર વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા જય રાજેન્દ્ર માવદીયા (ઉ.વ.ર૦) નામના યુવાનની માતાએ તેના પિતા રાજેન્દ્ર વિરજી માવદીયા વિરૂદ્ધ ખાધાખોરાકી અને મિલ્કત માટે કેસ કરેલ.

જેના સમાધાનના બહાને રાજેન્દ્ર વિરજીએ માણસોને જયના ઘરે મોકલીને તેના મોબાઇલમાંથી ફોટા પાડી લીધા હતા.

બાદમાં સમાધાનની લાલચ આપી ગઇકાલે જય માવદીયાને સાંજના સમયે જુનાગઢમાં શશીકુંજ રોડ પર બોલાવીને જયને છેડતી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને જય પાસેથી રૂ. ૧ લાખ પડાવી લીધા હતાં.

આ મતલબની ફરીયાદ ગત રાત્રે જય માવદીયાએ રેશ્મા ઉર્ફે સોનુ પોલા, અલ્તાફ હસન, સદામ હુસેન, ફિરોજ દાઉદ, કાસમ તૈયબ, વરજાંગ ઉર્ફે અલી નાથા, જીસાન ભીખુ, યોગેશ બાબુ, કરણ મનસુખ, રાજેન્દ્ર વિરજી માવદીયા, નવીન વિરજી અને રમેશ વિરજી માવદીયા સહિત કુલ ૧૩ શખ્સો સામે જુનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિશેષ તપાસ પી.એસ.આઇ. ડી.કે. વાઘેલા ચલાવી રહ્યા છે.

(3:50 pm IST)