Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

અમરેલીમાં નવો બનેલો જીલ્લો પંચાયત રોડનું નિરિક્ષણ કરતા કલેકટર ઓક

કોંક્રીટ સહિતના રો મટિરિયલમાં જાહેર જનતા માટે પ્રદર્શન રખાશે : ટેસ્ટ રીપોર્ટ મુજબ નવો રોડ સંપૂર્ણપણે ગુણવતાસભર : રોડ બન્યા પછી કોન્ટ્રાકટરનું નામ રોડ બન્યાનું વર્ષ લખાશે

અમરેલી, તા.૧૨: અમરેલી શહેરમાં આ વર્ષે ચોમાસામાં અતિ વરસાદથી રોડ-રસ્તાઓને અત્યંત નુકસાન થયું છે. જેનાથી શહેરની પ્રજાને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી હતી. જેના અનુસંધાને કેટલાક સમય પૂર્વે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા તમામ રોડ-રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા સબંધિત વિભાગોને જણાવવામાં આવતા શહેરમાં વિવિધ જગ્યાએ નવા માર્ગોનું કામ ચાલુ છે. આજ રોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા બની રહેલા નવા માર્ગોનું નિરીક્ષણ કરી સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી.

તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા ટેસ્ટ રિપોર્ટ મુજબ નવો બનેલો જિલ્લા પંચાયત રોડ સંપૂર્ણપણે ગુણવત્ત્।ાસભર બન્યો છે. બનેલા આ રોડનું આવતા અઠવાડિયે તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મુખ્ય પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર જનતા માટે પણ કોન્ક્રીટ સહિતના રો મટિરિયલનું પ્રદર્શન રાખવામાં આવશે. વધુમાં, સમગ્ર વહીવટ પારદર્શી બની રહે તે માટે જાહેર જનતા માટે નવા માર્ગો ઉપર કોન્ટ્રાકટરનું નામ અને રોડ બન્યાનું વર્ષ લખવામાં આવશે.  

આ સમીક્ષા મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ પૂર્ણતાના આરે છે એવા જિલ્લા પંચાયત રોડની મુલાકાત લઇ રોડ ગુણવત્ત્।ાસભર છે કે નહિ તેની તપાસ કરવામાં આવી હતી. આ વેળાએ કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સબંધિત વિભાગોના અધિકારીઓ નવા બની રહેલા માર્ગોનું નિયમિતપણે ખુબ ચોકસાઈભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે અને જો કોઈ ગેરરીતિ ધ્યાને આવે તો તાત્કાલિક તંત્રને જાણ કરશે.

વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવતા ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન તેમજ ખાનગી કંપનીની  ઓપ્ટિકલ ફાઈબર લાઈન જેવા પ્રશ્નો માટેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. નવા માર્ગો બન્યા પછી કોઈપણ જાતનું ખોદાણકામ કરવામાં આવશે નહિ માટે બીજા વિભાગો સાથે સંકલનમાં રહીને માર્ગના કામો તાકીદે પૂર્ણ કરવા જણાવ્યું હતું.આ મુલાકાતમાં માર્ગ અને મકાન(સ્ટેટ)ના અધિકારીશ્રી સુમા, સરકારી પોલીટેકનીક કોલેજના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીશ્રી ખોરાસિયા તથા અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(11:50 am IST)