Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હળવદના ખેડૂતે પાક સર્વેની ટીમ નહિ આવતા કંટાળી કપાસના પાકમાં માલ ઢોર મુકી દીધા

પાક વિમાનું વળતર સમયસર ન મળતા સરકાર સામે નવતર વિરોધ નોંધાવ્યો

હળવદ, તા. ૧ર :  તાલુકા ભર માં  કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સાથે જ મોટા ભાગના ખેડૂતોને પાક વીમો કે વળતર ન મળવાના કારણે ખેડૂતો માં પણ ભારે રોષ જાવા મળી રહ્યો છે. જેના કારણે પંથકના દ્યણા ખેડૂતો ઉભા પાકને પાડી દઈ સળગાવી રહ્યા છે ત્યારે બુધવારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ખેડૂતે કપાસના ઉભા પાકમાં માલઢોર રેઢા મુકી કપાસના પાકને પશુઓને ચરવા આપી દીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ કમોસમી વરસાદના કારણે પાકમાં મોટા પાયે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે તેમજ ઓછામાં પુરૂ રવિ પાકની સીઝન ચાલુ પણ થઈ ગઈ છે. તેમ છતાં પણ તાલુકાના રણજીતગઢ ગામે સર્વે ટીમ દ્વારા હજુ સુધી સર્વે કરવામાં નહીં આવતા તેમજ પાક વીમો કે વળતર ન મળતા ખેડૂતે આખરે રાહ જાઈ થાકીને કપાસનો પાક પશુઓને ચરવા આપી દીધો હતો.

આ ખેડુતે જણાવ્યુ હતુ કે કુદરતી પાસે તો કોઇનું ચાલતુ નથી જેથી વધુ પડતો વરસાદ થતા પોતાના ખેતરમાં વાવેતર કરેલ કપાસ નકામો થયો છે પરંત તેઓને સરકાર તરફથી નુકશાનીના ભરપાઇની આશા હતી પરંતુ આજ દિન સુધી સરકાર પાસેથી એક ખોટો રુપિયની સહાય નહિ મળતા તેઓએ આક્રોશ વ્યકત કર્યો છે. સરકાર સામે આક્રોષ વ્યકત કરવાની સાથે અબોલ પશુને કપાસ ખવરાવી દેતા પશુઓનું પેટ તો ભરાશે તેવા વિચારને લઇને રણજીતગઢના ખેડુત દ્વારા પોતાના ખેતરમાં ઉભો પાક પશુઓને નામ કરી દીધો હતો.

(11:31 am IST)