Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

મોરબી: વાંકાનેર મહારાણા સાહેબને ટિકિટ ન મળતા ક્ષત્રિય સમાજ આગ બબુલા.

પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ને ટિકિટ આપી ભાજપ અન્યાય કર્યાનો આક્રોશ, કોળી સમાજ, અનુજાતી સમાજ પણ નારાજ

વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર પ્રબળ દાવેદાર ગણાતા મહારાણા કેસરીદેવસિંહજીને ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા ક્ષત્રિય સમાજ ઉકળી ઉઠ્યો છે, આજે આ મામલે ક્ષત્રિય આગેવાનોની બેઠક પણ મળી હતી અને ટિકિટમાં અન્યાય મામલે કોળી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા પ્રબળ દાવેદાર એવા મહારાણા કેશરીદેવસિંહજીને બદલે જીતુભાઇ સોમાણીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આજે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય નજીક ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી જેમાં જો ભાજપ નિર્ણય નહિ બદલે તો ચૂંટણી પરિમાણ ભોગવવા તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારી હતી.
દરમિયાન વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ એક સુરે કહ્યું હતું કે, વાંકાનેરમાં ભાજપ પક્ષ વિરુદ્ધ કામ કરનાર ને ટિકિટ અને પક્ષ માટે મહેનત કરનાર મહારાણા સાહેબને અન્યાય કરાયો છે ત્યારે આગામી સમયમાં કોળી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજને સાથે રાખી આ અન્યાયનો બદલો લેવાશે અને મહારાણા સાહેબે અપક્ષ લડવા ફોર્મ પણ ઉપાડ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

(10:39 pm IST)