Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

માળીયામિંયાણાના સરવડ - બરાર વચ્ચે બે ટ્રક વચ્ચે ટક્કરમાં બંને ડ્રાઇવરોના મોતથી અરેરાટી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : માળીયા મીયાણા પોલીસ મથકમાંના ક્રિપાલસિંહ ચાવડા પાસેથી મળતી વિગત મુજબ તાલુકાના સરવડ અને બરાર ગામ વચ્ચે સવારના સમયે પોતનો ટ્રક નંબર gj 01 ht 6214 લઈને રસુલભાઈ દાઉદભાઈ કણજા (ઉ.વ.૫૪ ) પ્લાસ્ટીકના દાણા ભરી માળિયાથી અમદાવાદ તરફ જતા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં ટ્રક લઈ આવતા ધીરૂભાઈ ભૂંસાભાઈ દેવીપૂજક (ઉ.વ.૬૨ , રહે. ઉપલેટા) પોતાની ટ્રક નબર gj 06 z 9425 બટેકા ભરી ઉપલેટાથી જામનગર તરફ જતા હતા ત્યારે આ બંને ટ્રક સામસામા અથડાયા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા થવાથી એક આઇસર ટ્રકના ચાલક ધીરૂભાઈ ભૂંસાભાઈ દેવીપૂજકનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. જયારે તેમની સાથેનો કલીનર વિવેકભાઈ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ.૨૫) અને સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ કણજા (ઉ.વ.૫૪) ને ગંભીર ઇજા થતાં આ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટૂંકી સારવાર દરમિયાન રસુલભાઈ દાઉદભાઈનું પણ મોત નીપજયું હતું.

પોલીસે બન્ને મૃતકોના પી.એમ કરાવી મૃતદેહ તેમના પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરી હતી પણ અકસ્માતને લીધે બને પરિવારોમાં શોકનો મોજું ફરી વળ્યું હતું. આ અંગે ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામનાર રસુલભાઈ દાઉદભાઈ કણજાના સાળા અકબર હાસમ ફૂલધારા રહે.અમદાવાદ વાળાએ આઈસર ટ્રકના મૃતક ડ્રાયવર ધીરૂભાઈ ભૂંસાભાઈ વિરૂદ્ઘ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ કે.વી.ચાવડા ચલાવી રહ્યા છે.

(11:25 am IST)