Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

જૂનાગઢ પાસેની ઉબેણ નદીમાં ગેરકાયદે ખનન અટકાવવા સવારથી મોટાપાયે કાર્યવાહી: ૩પ ટ્રેકટર કબ્જે

કલેકટર ડો. સૌરભ પારધીની સુચનાથી દરોડાથી ફફડાટ

જુનાગઢ, તા. ૧ર : જૂનાગઢ પાસેની ઉબેણ નદીમાં ગેરકાયદે ખનન અટકાવવા માટે વહેલી સવારથી કલેકટર ડો. સૌરભ પારધનીની સૂચનાથી મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તબક્કે ૩પ ટ્રેકટર સહિતના વાહનો કબ્જે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

તાજેતરમાં જૂનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીએ વંથલી નજીકની ઓઝત નદીમાં રેતીની લીઝ સ્થગિત કર્યા બાદ જયાં ગેરકાયદે ખનન થતું હોય તેવી જગ્યાની માહિતી મેળવી હતી.

આ માહિતીના આધારે કલેકટર ડો. સૌરભ પારધીની સુચનાથી આજે વહેલી સવારથી પ્રાંત અધિકારી જયવંત રાવલ સહિતના અધિકારીઓએ પોલીસના ચૂસ્ત બંધોબસ્ત સાથે જૂનાગઢ નજીકની ઉબેણ નદીમાં ગેરકાયદે ખનન કરતા તત્વો ઉપર તવાઇ બોલાવી છે.

જુનાગઢ તાલુકાના તલીયાધાર ગામની સીમમાં ઉબેણ નદીમાં વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે ગેરકાયદે ખનન સબબ ૩પ જેટલા ટ્રેકટર અને ૩ થી વધુ લોડર સહિતના વાહનો-સાધનો કબ્જે કર્યા હોવાનું જાણવા મળેલ છે.

તેમજ લાખો રૂપિયાની ખનન પકડી પાડેલ છે. આ લખાય છે ત્યારે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. (૮.૮)

(11:48 am IST)