Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

૫૦૦ ખોરડાની વસ્તી ધરાવતું કચ્છનું બુઢારમોરા કોરોનાનું હોટસ્પોટ- એક સાથે ૬ કેસનો વિસ્ફોટ

૬ માં એક બાળક, એક મહિલા, હવે સંપર્કમાં આવેલા અનેકોને લોકોને એક સાથે ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ

(ભુજ) ત્રણ દિવસ પહેલાં જ અંજાર તાલુકાના બુઢારમોરા ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ નીકળ્યો હતો.  મુંબઈથી આવેલ પ્રવીણ સથવારા નામના યુવાનને કોરોના પોઝિટિવ હતો. તેની સાથે કુલ ૩૭ જણા મુંબઈથી આવ્યા હતા. આ તમામને ગામમાં ક્વોરેન્ટાઈન કરાયા હતા. એક પોઝિટિવ કેસ નીકળ્યા બાદ મુંબઈથી આવેલા અન્ય ૩૬ જણાને આદિપુર મધ્યે સંત લીલાશા કુટીયામાં ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોરેન્ટાઈન કરી તેમના સેમ્પલ લેવાયા હતા. તેમાં એક સાથે આજે વધુ ૫ જણા કોરોના પોઝિટિવ નીકળ્યા છે. (૧) મુકેશ સથવારા (૨) વિજય મનાણી (૩) રમેશ સથવારા તેમ જ મહિલા (૪) અર્ચના આર. સથવારા અને (૫) નવ વર્ષના બાળક મિત આર. સથવારા કોરોના પોઝિટિવ નીકળ્યો છે. 

           આમ, ૫૦૦ ખોરડા અંદાજીત બે થી અઢી હજારની વસ્તી ધરાવતું નાનકડું એવું બુઢારમોરા ગામ અત્યારે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. જોકે, આ તમામ છ એ છ કોરોના દર્દીઓ રેડઝોન મુંબઈથી અહીં વતન કચ્છમાં આવ્યા છે. એક પોઝિટિવ દર્દી પ્રવીણ સથવારાને કારણે હજી ગઈકાલે જ બુઢારમોરા ગામના વિસ્તારને કન્ટેનમેન્ટઝોન જાહેર કરાયો છે. ત્યારે નવા પાંચ દર્દી મળીને કુલ ૬ દર્દીઓ થતાં હવે ગામમાં થોડી ચિંતા અને ફફડાટ પણ છે.

(8:52 pm IST)