Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જામનગર જિલ્લાના ૪૪ હજાર શ્રમિકો વતન ભણી

કોવીડ-૧૯ અંગે જામનગરની વર્તમાન સ્‍થિતિ જણાવતા કલેકટર : શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે વહીવટી તંત્ર, રેલવે તંત્ર અને પોલીસ તંત્ર સુસજ્જ : રવિશંકર

જામનગર તા.૧૨ : જામનગર જિલ્લામાં COVID-19 પરિસ્‍થિતિની જાણકારી આપવા જિલ્લાના મીડિયાકર્મીઓ સાથે કલેકટર રવિશંકર દ્વારા કલેકટર કચેરીના સભાખંડમાં એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ હતું. 

કલેકટર રવિશંકરએ ઉપસ્‍થિત સૌ મીડિયાકર્મીઓને જાણકારી આપતાં જણાવ્‍યું કે, આજે સવાર સુધીમાં COVID-19 અંગે જે ટેસ્‍ટ કરવામાં આવેલ હતા તેમાના ૨ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયેલા છે. હાલ સુધીમાં જામનગર જિલ્લામાં COVID-19ના  કુલ ૨૮ કેસ નોંધાયેલ છે જેમાંથી ૨ કેસ કે જેઓ બાળકો હતા તેમનું અવસાન થયેલ છે જેથી કુલ ૨૬ એકટીવ કેસો છે જેમાં ૧ ખંભાળીયા અને ૨૫ જામનગર જિલ્લાના છે. અત્‍યારે COVID-19ના  તમામ દર્દીઓની તબીયત  સ્‍થીર છે તેમાના કોઇને પણ કોઇપણ જાતની મુશ્‍કેલી નથી.

COVID-19ના દર્દીઓને હોસ્‍પિટલમાંથી રજા આપેલ છે તેવા સમાચારો વહેતા થયા છે તેનુ ખંડન કરતા કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્‍યું કે, અત્‍યાર સુધીમાં કોઇપણ દર્દીને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવેલ નથી. તાજેતરમાં સરકારશ્રી દ્વારા COVID-19 અંગે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત COVID-19 પોઝીટીવ હોય અને માઇલ્‍ડ સીમટમ્‍સ હોય તેવા દર્દીઓ આપણી પાસે આવ્‍યા પછી કોઇ કોમ્‍પલીકેશન ન હોય તો તેવી પરિસ્‍થિતિમાં ૧૦ દિવસ પછી તેમને ઘરે પહોંચાડવા આવે છે અને ત્‍યારબાદ તેઓએ ૧૪ દિવસ સુધી ઘરે કોરન્‍ટાઇન રહેવુ પડે છે.

જામનગરની જનતાને અનુરોધ કરતા કલેકટર રવિશંકરએ ઉમેર્યું કે, જામનગરમાં આજે આવેલા નવા ૨ કેસો અંગે કોઇ પણ નાગરિકે ગભરાવવાની જરૂર નથી. તેઓ બન્ને લોકો અમદાવાદથી પ્રવાસ કરીને જામનગર આવેલ હતા. જામનગર જિલ્લાની હદમાં પ્રવેસ કરતા જ તેઓનું ચેકીંગ કરવામાં આવેલ અને તેઓને સમરસ હોસ્‍ટેલ ખાતે સીફટ કરવામાં આવેલ હતા.  હવે તેઓને હોસ્‍પિટલ ખાતે આઈસોલેશનમાં સીફટ કરવામાં આવશે.

જામનગરમાંથી ૧૦૪૩ બસો દ્વારા અને ૪૪ લોકો અન્‍ય નાના વાહનોમાં મળી કુલ ૧૦૮૭ વાહનોમાં શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્રએ પોતાના વતન ખાતે જવાની મંજુરી આપવામાં આવેલ છે. જેમાંના મોટા ભાગના લોકો મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન ગયા છે.

બિહારના ૧૨૩૦ શ્રમિકોને તેમના વતનમાં મોકલવા માટે ૧ ટ્રેન જામનગરથી મોકલવામાં આવેલ છે. ઉતરપ્રદેશના ૭૧૧૪ શ્રમિકો માટે ૫ ટ્રેનો મોકલેલ છે આમ શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે વહિવટીતંત્ર, રેલ્‍વે તંત્ર અને પોલીસતંત્ર સુસજ્જ છે તેમ કલેકટરશ્રી રવિશંકરએ વધુમાં ઉમેર્યું હતું.

વહિવટીતંત્ર શ્રમીકો પાસેથી આવેલ અરજીને ધ્‍યાને લઈ  લીસ્‍ટ તૈયાર કરે છે તે વહિવટીતંત્ર દ્વારા લગત  રાજય સરકારને મંજુરી અર્થે મોકલવામાં આવે છે. તે રાજય સરકાર દ્વારા મંજુરી મળ્‍યે જ અહિંથી શ્રમિકોને ટ્રેન મારફત મોકલવામાં આવે છે. વહિવટીતંત્ર અને રેલ્‍વેતંત્ર દ્વારા એ પણ તકેદારી રાખવામાં આવે છે કે જે રાજયમાં ટ્રેન મોક્‍લવામાં આવે તે ટ્રેન તે રાજયમાં દિવસે જ પહોંચે તે રીતે રેલ્‍વેતંત્ર દ્વારા ટ્રેન ઉપડવાનો સમય નિયત કરવામાં આવે છે. વહિવટીતંત્ર ટ્રેન ક્‍યારે ઉપડશે તેની જાણ લોકોને અગાઉથી નથી કરતું કારણકે બધા પેસેન્‍જરોના નામની યાદી વહિવટીતંત્ર પાસે છે, વહિવટીતંત્ર પહેલા પોલીસ મારફત તમામ પેસેન્‍જરોને તેમના ઘરેથી લઇ રેલ્‍વે સ્‍ટેશન સુધી પહોંચાડે છે ત્‍યારબાદ રેલ્‍વે સ્‍ટેશન ઉપર તેમની તબીયતનું ચેકીંગ કરવામાં આવે છે ત્‍યારબાદ જ તેઓને ટ્રેનમાં બેસવા દેવાની મંજુરી આપવામાં આવે છે. આથી જો અગાઉથી શ્રમીકોને ટ્રેનના સમયની જાણ થાય તો તેઓ પગપાળા પંહોચી રેલ્‍વે સ્‍ટેશન પહોંચે છે અને પોતાની જાતને અને પોતાના પરિવારને કોરોનાના સંક્રમણના ખતરામાં મુકે છે તેમ કલેકટર રવિશંકર દ્વારા જણાવાયું હતું.

જામનગરમાં કોઇ કેસો થયેલ નથી જે કેસો છે તે અન્‍ય જિલ્લાઓમાંથી પ્રવાસ કરીને આવેલ મુસાફરોના જ છે. જેથી વહિવટીતંત્ર દ્વારા બધા જિલ્લાઓને સુચના આપવામાં આવેલ છે કે પહેલા અમારા જિલ્લામાં આવતા મુસાફરોની યાદી અમને મોકલો જેથી કરીને અમે તેમના સ્‍ક્રીનીંગ થી લઇને તેમના રહેવા માટેની પુરી સગવડતા કરી શકીએ. જે લોકો છુપી રીતે ગામડાઓના રસ્‍તે જામનગરમાં ઘુસી ગયા છે તેમના ઉપર ફોજદારી કાર્યવાહી કરેલ છે.  અત્‍યાર સુધીમાં કુલ ૪૪,૬૪૪ લોકોને જામનગરથી તેમના વતન ગયા છે તેમ કલેકટરશ્રીએ ઉપસ્‍થિત મિડિયાકર્મીઓને જણાવેલ હતું.

આ વાર્તાલાપમાં કલેકટર રવિશંકર સાથે પ્રાંત અધિકારી જામનગર શહેર  હર્ષવર્ધન સોલંકી તથા જામનગરના મિડીયા કર્મીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

(1:57 pm IST)