Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

થાનના નળખંભામાં હલણ અને લાઇટના દોરડા કાપવા મામલે બઘડાટીઃ ૭ ઘવાયા

મનસુખ, વિરમભાઇ, પ્રભુભાઇ ચારલા અને સામા પક્ષે મુન્ના, હીરા, બધીબેન, હંસાબેનને ઇજાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૨: થાનના નળખંભા ગામે બે કોળી પરિવારો વચ્ચે સાંજે કુહાડી, પાઇપ, લાકડી, ધારીયાથી મારામારી થતાં બંને પક્ષના સાતને ઇજા થતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હલણ અને લાઇટના દોરડા કાપવાની બાબતે માથાકુટ થયાનું બંને પક્ષોએ જણાવ્યું હતું.

નળખંભા રહેતાં અને ખેત મજૂરી કરતાં મનસુખ અલુભાઇ ચારલા (કોળી) (ઉ.૩૫),  વિરમભાઇ અલુભાઇ ચારલા (ઉ.૪૫) તથા  પ્રભુ અલુભાઇ ચારલા (ઉ.૪૬) પર પડોશી હીરા વેરૂ પનારા, ધીરૂ વેરૂ, મુન્ના વેરૂ સહિતનાએ ધારીયા, પથ્થરથી હુમલો કરી ઇજાઓ કરતાં રાજકોટ દાખલ થયા છે. મનસુખના કહેવા મુજબ હીરાની લાઇટ બંધ થઇ ગઇ હોઇ તે બધાની લાઇટના દોરડા કાપતો હોઇ તેને ના પાડતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો.

સામા પક્ષે મુન્ના વેરૂભાઇ પનારા (ઉ.૩૨), હીરાભાઇ વેરૂભાઇ પનારા (ઉ.૩૫), બધીબેન ધીરાભાઇ પનારા (ઉ.૩૦) તથા હંસાબેન રોહિતભાઇ (ઉ.૩૨) પણ પોતાના પર પ્રભુ, વિરમ, મનસુખ, મુન્ના, ગેલા, તેજા સહિતનાએ કુહાડી-પાઇપ-લાકડીથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રામજીભાઇ પટેલે થાનગઢ પોલીસને જાણ કરી હતી. આ પક્ષના ભીખાભાઇ પનારાના કહેવા મુજબ અમારા ઘર પાસનું હલણ મનસુખ અને તેના પરિવારજનોએ બંધ કરી દીધું હોઇ તે બાબતે સમજાવવા જતાં હુમલો કરાયો હતો. થાન પોલીસે સામ-સામી ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. ઘાયલો પૈકીના બે વ્યકિત તસ્વીરમાં નજરે પડે છે.

(12:08 pm IST)