Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભાવનગર અષાઢી બીજ રથયાત્રા અંગે સરકારશ્રી સાથે ચર્ચા અને સંકલન કરી નિર્ણય લેવામાં આવશે

ભાવનગર તા. ૧રઃ દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના રોજ છેલ્લા ૩૪ વર્ષથી ભાવનગરમાં સ્વ. શ્રી ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.આગામી તા. ર૩ જુન ને મંગળવારના રોજ અષાઢ સુદ બીજના રોજ ૩પ મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આવે છે. ત્યારે હાલની કોરીનાની મહામારી વચ્ચે કઇ રીતે રથયાત્રાનું આયોજન કરવું તે બાબતે સરકારશ્રી સાથે ચર્ચા અને સંકલન કરી નિર્ણય લેવાશે. હાલની પરિસ્થિતિમાં શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ભાવનગર સરકારશ્રીની સાથે છે.

વધુમાં જણાવવાનું કે અમદાવાદ રથયાત્રા સમિતિ સાથે સંકલન પણ કરવામાં આવેલ છે. જો અમદાવાદમાં રથયાત્રા નીકળશે તો ભાવનગરમાં પણ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ રથયાત્રા નીકળશે.

શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષશ્રી હરૂભાઇ ગોંડલિયાએ જણાવ્યું કે ભગવાનશ્રી જગન્નાથજીની કૃપાથી આગામી અઠવાડીયા સુધીમાં કોરોના રૂપી મહામારી વિશ્વસ્તરે શાંત થાય તેવી શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ.

વધુમાં હરૂભાઇએ લોકોને અપીલ પણ કરી છે કે સરકારશ્રીની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરીએ અને લોકોનું જનજીવન પૂર્વવત થાય તેવી ભગવાનશ્રી જગન્નાથજીને પ્રાર્થના કરૃં છું.

(12:07 pm IST)