Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જેના ઉપર હજારો પરિવારોની આજીવિકા છે તે પાન-બીડીની દુકાનો ખોલવા છૂટ આપો : અમરેલીના ડો. કાનાબારની રજુઆત

અમરેલી, તા. ૧ર : લોકડાઉનની શરૂઆત થઇ ત્યારથી જ રાજયમાં પાન-બીડી-તમાકુની દુકાનો બંધ છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં, આવશ્યક ન હોય તેવી ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની છૂટ મળી પણ પાન-બીડી-તમાકુના વેપાર પર પ્રતિબંધ ચાલુ રહ્યો ત્યારે તેને ખોલવાની છૂટ આપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને ડો. ભરત કાનાબારે રજુઆત કરી છે.

આ પ્રતિબંધ ચાલુ રાખવા માટેની મુખ્ય દલીલ એ છે કે, પાન-માવા ખાઇને જાહેરમાં થૂંકવાની આપણા લોકોની ટેવથી કોરોના વાયરસ ફેલાવાની શકયતાઓ વધશે. આ વાતમાં તથ્ય પણ છે. આ કુટુંબને અંકુશમાં લાવવા જાહેરમાં થુંકનારને ખૂબજ આકરા દંડની જોગવાઇ કરવી જોઇએ, પરંતુ હકીકતમાં પાન-માવા કે ધુમ્રમાનના શોખીનોએ કંઇ આ બધુ છોડી પણ દીધું નથી. માત્ર જેમ ગુજરાતમાં દારૂ ચોરી-છૂપીથી પીવાય છે તેમ બધું ચોરી છુપીથી મેળવવું પડે અને એને માટે ૪ થી ૧૦ ગણા પૈસા ચૂકવવા પડે છે.

ઘણા લોકો એમ માને છે કે, આનાથી લોકોમાં વ્યસનની વૃતિ ઘટશે પણ લોકડાઉન કાંઇ વ્યસનમુકિતનું અભિયાન નથી. બીજુ એક ડોકટર તરીકે હું પણ ઇચ્છું કે જયારે તમાકુ ખાવાથી અને બીડી-સીગારેટથી થતાં કેન્સરનો ભોગ ભારતમાં હજારો લોકો બને છે, ત્યારે લોકો આ આદતથી મુકત બેન, પણ આપણે તમાકુની ખેતી-વાવેતર પર પ્રતિબંધ નથી મૂકયો (ઉલ્ટાનું કૃષિ ખાતા દ્વારા તમાકુની ખેતીના સંશોધન કેન્દ્રો ચાલુ છે) કારણ કે તેના પર લાખો લોકોની આજીવિકા નિર્ભર છે. માત્ર એકલા અમરેલી શહેરમાં જ પાન-બીડીની ૧ર૦૦ દુકાનો અને ૧૦૦ જેટલા જથ્થાબંધ વેપારીઓ છે.

હમણાં દિલ્હી હાઇકોર્ટે વર્તમાન પરિસ્થિતિમાં દારૂની દુકાનો પર થતી ભીડ જોખમી હોવાથી દારૂની હોમ ડીલવરીની વ્યવસ્થા ઉભી કરવાનું સુચન કર્યું છે. આજ રીતે પાન-બીડી-તમાકુની દુકાનો ખોલવાના વિકલ્પ તરીકે તેની હોમ ડીલીવરીની છૂટ આપી શકાય.

ગુજરાતમાં પાન-બીડીના વ્યવસાય કરતા હજારો દુકાનદારો તેના સ્ટોકીસ્ટો અને દુકાનોમાં કામ કરતા કારીગરોની આજીવિકા બંધ છે. આ મુદ્દે સરકારે સહાનુભૂતિ રાખી, નિર્ણય કરવો જોઇએ તેમ ડો. કાનાબારે અંતમાં જણાવ્યું છે.

(12:04 pm IST)