Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગોંડલમાં સોપારી, પાન, બીડીનાં વેપારીઓ દ્વારા કાળાબજારનો અનીલભાઇ માઘડનો આક્ષેપ

પાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેનની કલેકટર -પોલીસવડા સહિતનાને રાવ

ગોંડલ,તા.૧૨: પાલીકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનીલભાઇ માઘડે રાજકોટ કલેકટર રેમ્યા મોહન, જીલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિત ફરિયાદ કરી છે કે, ગોંડલ સોપારી પાન બીડીના વેપારીઓ દ્વારા તંત્રની મીઠી નજર તળે કાળા બજાર કરવામાં આવી રહ્યા   છે. જેમાં ફાયર સ્ટેશનની સામે આવેલ રામ ટ્રેડર્સ, માંડવી ચોકમાં આવેલ હરગોવિંદ માવજી તુલસી એજન્સી, ગેલેકસી એજન્સી ગુંદાળા રોડ, તુલસી એન્ડ કંપની જૂના માર્કેટ યાર્ડમાં, ખાતરા ટ્રેડર્સ કૈલાશ કોમ્પલેક્ષ, સાઇના લિંગુ, નાની મોટી બજારમાં આવેલ હોલસેલ વેપારીઓ-બાલકૃષ્ણ સેલ્સ એજન્સી કૈલાશબાગ મામાદેવના મંદિર સામે ત્રણ ખુણીયાની અંદર આવેલ કોમ્પલેક્ષમાં બે ત્રણ વેપારીઓ સહિતના વેપારીઓ મધરાત્રે બાહુબલીઓ સાથે મળી પાન તમાકુનો જથ્થો કાઢી આપે છે.

દિવસના તેના ધુમ કાળાબજાર થઇ રહ્યા છે. સોપારીનો ભાવ ૧ કિલોનો ૧૦૦૦થી પણ ઉપરનો છે. સૌ ગ્રામ તમાકુના ડબ્બાના ભાવ ૧૨૦૦ રૂપિયા  બોલાય છે. ચુનાના પાઉચનો ભાવ  સાડા ત્રણ રૂપિયા તેમજ શિવાજી બીડી ૩૦ નંબર બીડીના ઝુડીના ભાવ ૧૨૦ રૂપિયા લુંટવામાં આવી રહ્યા છે. સિગારેટના પાકીટના  ભાવ ૩૦૦થી  લઇ ૬૦૦ વસુલવામાં આવી રહ્યા છે. જો આ અમારી ફરીયાદ ખોટી હોય તો અમો રાજકારણ અને  જાહેર જીવન છોડી દઇશું તેમા શંકાને  કોઇ સ્થાન નથી. પ્રસાશન દ્વારા હોલસેલ દ્વારા વેપારીઓના  ચોપડા કબજે કરી લોકડાઉનમાં શટર ઉંચા કરી  માલ વેચવાનો પર્દાફાશ કરવાની તાતી જરૂરીયાત  છે જેથી કરી ગુનેગારોને સજા મળે અને નિર્દોષ પ્રજા લૂંટાતી બચે તેવી અમારી માંગ છે.  કાળા બજારનો ધંધો બાહુબલીઓના  આદેશથી અને તંત્રની મીઠી નજર તળે  ચાલી રહ્યા છે. બાહુબલીયોને રાત્રે  પ્રોટેકશન પણ પૂ રુ પાડવામાં આવી રહ્યુ છે. જેના  સોશિયલ મીડીયામાં  ઘણા ફોટા અને વિડીયો  વાયરલ  પણ થયેલા  છે. આ સાથે અમારી માંગ પણ એ છે કે  ઉપરોકત વેપારીઓની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ પણ ચેક થવા જોઇએ તેમ અનીલભાઇ માઘડે અંતમાં જણાવ્યુ છે.

(12:04 pm IST)