Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વાંકાનેરમાં પોઝીટીવ કેસ બાદ લોકોને જાગૃતતા દાખવવા તંત્રની અપીલ

વાંકાનેર તા. ૧ર :.. મોરબી જીલ્લામાં આ પૂર્વે માત્ર એક જ પોઝીટીવ કેસ નોંધાયેલ અને બાદમાં તે પણ સ્વસ્થ થઇ ચુકેલ. પરંતુ તાજેતરમાં એક કેસ વાંકાનેરમાં પોઝીટીવ આવતા સંક્રમીતના રહેઠાણ સહિત આસપાસના વિસ્તારને સીલ કરી સાવચેતીના સતર્ક પ્રયાસ રૂપેની  કાર્યવાહીનો અમલ થઇ રહ્યો છે.

તે સમયે કાલે મોરબી જીલ્લા એસપી, મહિલા ડીવાયએસપી, ડે. કલેકટર, મામલતદાર અને શહેર પીઆઇ, પીએસઆઇ સહિતનો કાફલો વાંકાનેર શહેરમાં રાજમાર્ગો પર ફરી, માઇક પર લોકોને અપીલ કરતો ગ્રીનચોક વિસ્તારમાં પહોંચેલ. ત્યાં ખાસ કરી વેપારીઓને ગ્રાહકો માટે ચહેરા પર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનો સખ્તાઇથી અમલ કરવા આહવાન કરાયલ.

વેપારીઓ સવારના સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી સોશ્યલ ડીસ્ટન્સની ગંભીરતાને સમજી વેપાર ધંધા કરી શકયા બાદ સાંજે સાતથી સવારના સાત સુધીના સમયગાળા દરમ્યાન ટહેલવા-ફરવા નીકળતા લોકોને ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ દરમ્યાન ગ્રીનચોક વચ્ચે પેઇન્ટીંગ કરી 'સોશ્યલ ડિસ્ટન્સ જાળવો-કોરોના ભગાઓ' ના અંકિત કરાયેલા સ્લોગનને આ વિસ્તારના અગ્રણી અને પત્રકારો દ્વારા એસપી શ્રી મોરબીને જાણકારી આપતા, આ પેઇન્ટીંગ જોઇ એસપી પણ અભિભૂત થયા હતાં.

મોરબી જીલ્લો ગ્રીન ઝોનમાં હોઇ, ગ્રીન ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં તબદીલ ન થાય તે માટે વાંકાનેરના શહેરીજનો એ પણ જાગૃતતા અને સહકાર દાખવે તે હવે અનિવાર્ય  બને છે.  ખાસ કરી લોકડાઉન સમયગાળાના હાલના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનો ૧૦૦ ટકા અમલ જરૂરી બને છે.

(12:01 pm IST)