Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે તમામ બાકી રહેલા વેપારીઓને છુટ આપવા માંગ

નાના મધ્યમ ધંધાર્થીઓની દયાજનક સ્થિતિને લઇ

ખંભાળીયા, તા.૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ખુબ જ ઓછા પોઝીટીવ કેસ હોય તથા સ્થાનીક સંક્રમણનું પ્રમાણ ઓછું હોય અને ગ્રીન ઝોનમાં હોય રાજ્યના અન્ય જિલ્લાઓમાં  ખુલેલી વાણંદ, હેરકટીંગ સલૂન, મીઠાઇ તથા ફરસાણની દુકાનોને પણ જિલ્લા તંત્રએ શરતો સાથે મંજુરી આપી છે. ત્યારે ૭ થી ૨નો સમય ૭ થી ૫ દિવસનો કર્યો છે. ત્યારે બાકી રહેતા નાના ધંધાર્થીઓની સ્થિતિ વિકટ હોય તેમને પણ માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ સાથે મંજુરીની માંગ કરાઇ છે.ખંભાળિયા શહેર સોડા લીબું સરબત માટે ખુબ જ જાણીતુ છે. તથા જમીને સોડા પીનાર હજારો છે. પાનમસાલા ફાકી પર પ્રતિબંધ હોય તે તળે પણ સોડા લીંબુ સરબત લીંબુ જે કોરોના રોગમાં મદદરૂપ થાય છે. તેની મંજુરી આપવાની  માંગ કરાઇ છે.અત્યંત નાના આ દુકાનદારો ૫૦ દિવસથી ઘરે બેઠા છે. તો આવી જ સ્થિતિ ચાની લારીવાળાની છે જે સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાખીને ધંધો કરી શકે તો જે ધંધાર્થી આ રોગચાળામાં અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે. તે ઓટો રીક્ષાના ચાલકો જે અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે. તે કેટલાયના રીક્ષાની લોનના હપ્તા પણ ભરી શકતા નથી મુસાફરોની મર્યાદા સાથે તેમાં પણ છુટ આપવી જરૂરી છે.

જિલ્લા તંત્ર કોરોના મહામારીમાં ખુબ જ સારી રીતે કામ કરે છે. ત્યારે નાના ધંધાર્થીનું હિત પણ વિચારે તેવી માંગ ઉઠી છે.

(12:01 pm IST)