Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગોંડલના પાન-બીડીના સાત દુકાનદારોએ સ્વૈચ્છીક પોતાની દુકાનો સીલ કરાવી !

લોકડાઉનમાં પાન-બીડી અને તમાકુના બંધાણીઓ અને પોલીસના ત્રાસથી કંટાળી... : વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પાન-બીડી હોલસેલરની ત્રણ દુકાનો સીલ કર્યા બાદ અન્ય વેપારીઓએ પણ પોતાની દુકાનો સીલ કરવા માંગણી કરી'તી

રાજકોટ તા. ૧રઃ લોકડાઉનમાં પાન-બીડીના બંધાણીએ અને પોલીસના ત્રાસથી કંટાળી ગોંડલના પાન-બીડીના સાત દુકાનદારોએ સ્વેચ્છિક પોતાી દુકાનો સીલ કરાવી દેતા ચર્ચા જાગી છે.

મળતી વિગતો મુજબ કોરોના લોકડાઉન વચ્ચે ગોંડલનાં પાન બીડી તમાકુનાં હોલસેલનાં વેપારીઓ દ્વારા તંત્રની મીઠી નજર હેઠળ બેફામ કાળા બજાર કરી મોડી રાત્રે દુકાનો ખોલી વેપલો કરતાં હોવાની નગરપાલિકા સદસ્ય અનિલભાઇ માધડની જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડા ને ફરીયાદ કરી વિડીયો વાયરલ કર્યાની ચકચારી ઘટનાં બાદ સફાળી જાગેલી પોલીસે ફાયર સ્ટેશન સામે આવેલ રામ ટ્રેડર્સ તથાં કૈલાસ કોમ્પ્લેકસમાં આવેલ સાઇના લીંગુ નામની એજન્સીઓને મામલતદારની હાજરીમાં સીલ કરી બન્નુે એજન્સીનાં માલીકો સામે ગુન્હા દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અન્ય એક વિડીયો વાયરલ થતા ત્રીજી દુકાન પણ સીલ કરાઇ હતી.

દરમિયાન ગોંડલના મામલતદાર અને પોલીસની હાજરીમાં વેપારીઓની મળેલ મીટીંગમાં પાન-બીડીનાં અન્ય સાત દુકાનદારોએ સ્વૈચ્છિક પોતાની દુકાનો સીલ કરી દેવા માંગણી કરતા પાન-બીડીની સાત દુકાનો પણ મામલતદારની હાજરીમાં સીલ કરાઇ હતી.વેપારીઓનું કહેવું છે કે, લોકડાઉનમાં પાન બીડી અને તમાકુના બંધાણીઓના સતત ફોનથી તેઓ ત્રાસી ગયા છે અને કયારેક બંધાણીઓ પોલીસનો સાથ લઇ દુકાનો ખોલાવે છે તો ઘણીવાર અમુક પોલીસ સ્ટાફ પણ દુકાનો ખોલાવે છે. તેમજ કયારેક તોડફોડની ઘટનાઓનો પણ ભોગ બનવું પડે છે. આ કરતા દુકાનો સીલ જ હોય તો આ કડાકુટમાંથી આપોઆપ બચી જવાય.

વેપારીઓની દુકાનો સીલ કરવાની સ્વૈચ્છિક માંગણી અન્વયે હાલ તો તંત્રએ પાન-બીડીની વધુ સાત દુકાનો સીલ કરી દીધી છે.

(11:59 am IST)