Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલામાં લાકડી ધોકા વડે તોડફોડ કરીને આગ ચાંપનાર ૧૬ શખ્સો સામે ગુન્હો

આશરે ૯ લાખનું નુકસાન : જૂના મનદુઃખથી તોડફોડ કરેલ

પોરબંદર,તા.૧૨ : જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ રામજીભાઇ મોરીના બંગલામાં જૂના મનદુઃખથી લાકડી ,ધોકા, કુહાડી વડે તોડફોડ કરીને આગ ચાંપીને બંગલાને આશરે ૯ લાખનું નુકસાન કરીને નાસી જનાર ૧૬ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ રામજીભાઈ મોરીના મોટાભાઈ ગોગનભાઈ રામભાઈ મોરી બિલેશ્વર સમાજના આગેવાન હોય અને પાડોશમાં રહેતા ચનાભાઈ મોરી સાથે અગાઉ મનદુઃખ રાખી ઝઘડો કરતા હોય જેને ફરિયાદીના મોટાભાઈ સમજાવવા ગયેલ હોય જે મનદુઃખ રાખી આરોપી કાના ઉર્ફે કારી નાથા કોડિયાંતર સહીત ૧૫ થી ૧૬ લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈના બંગલામાં ઘુસી જઈને લાકડી કુહાડી ધોકા સાથે તોડફોડ કરીને આશરે ૯ લાખનું નુકશાન કર્યાની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે

પોલીસે આરોપીઓ સામે કલેકટરના જાહેરનામા ભંગ તથા બંગલામાં નુકશાન કર્યાનો ગુન્હો નોંધ્યો છે.

(11:57 am IST)