Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સાવરકુંડલાની વર્ષો જૂની નદીબજારમાં આવેલ પાલા ખોલવાની મંજુરી ન મળવાથી રોષની લાગણી

મંજુરી ન મળવા પાછળ રાજકારણ ખેલાયાની પણ ચર્ચાઃ મામલતદારને આવેદન સુપ્રત : પાલા બજારમાં ૫૦ વર્ષથી ૧૫૦ વેપારીઓ રોજી મેળવી રહ્યા છેઃ કુંડલાની અન્ય બજારોમાં રોડ પર દરરોજ એક એક સાઈડની દુકાનો તથા કોમ્પલેક્ષમાં દુકાનોને એકી-બેકી નંબર સાથે મંજુરી આપેલ છે તો પણ નદીબજારને જ શા માટે મંજુરી નથી મળતી ?

સાવરકુંડલા, તા. ૧૨ :. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગ્રીન ઝોનમાં આવેલા શહેરો-વિસ્તારોમાં વેપાર-ધંધા ચાલુ કરવા માટે શરતોને આધિન આંતરિક છુટછાટ આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ગ્રીન ઝોનની કેટેગરી ધરાવતા એક માત્ર અમરેલી જિલ્લાના સૌથી મોટા શહેર સાવરકુંડલામાં પણ વહીવટી તંત્ર દ્વારા શરતોને આધીન બજારો ખોલવાની મંજુરી આપી છે. વહીવટી તંત્ર દ્વારા બજારોમાં ડાબી સાઈડ - જમણી સાઈડ અને શોપીંગ સેન્ટરો, કોમ્પલેક્ષોમાં દુકાનોને એકી-બેકી નંબર આપી એકાંતરા ખોલવાની મંજુરી આપી કઈ બજાર કયા દિવસે ખુલ્લી રહી શકશે તે બજારોના નામ સાથે જાહેરાત કરી છે.

જેમાં આશ્ચર્યજનક રીતે શહેરની મધ્યમાં આવેલી નદીબજારમાં માત્ર એક બાજુ આવેલી દુકાનોને જ મંજુરી આપવામાં આવી છે. જ્યારે સામેની બાજુ આવેલા પાલાબજાર ખોલવાનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ જ નહી કરાતા પાલા ધારકોમાં રોષની લાગણી વ્યાપી છે.

છેલ્લા ૫૦ વર્ષથી આ પાલાબજારમાં ૧૫૦ જેટલા પાલાધારકો, કરીયાણા, હાર્ડવેર, ફુટવેર, ગારમેન્ટ વગેરેનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી સખત લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ હોય પાલાધારકો આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમાં લોકડાઉનમાં બજારો ખોલવાની યાદીમાંથી પાલાબજારની સમુળગી બાદબાકી થઈ જતા પાલાધારકોને પડયા ઉપર પાટુ વાગવા જેવુ થયુ છે.

લોકડાઉન બાદ સમગ્ર શહેરની બજારોના વેપારીઓ એકાંતરા વેપાર કરી રહ્યા છે, ત્યારે પાલાધારકો માટે તો હજુ લોકડાઉન ચાલુ જ રહેવા પામ્યુ છે. જેથી પાલાબજાર એસોસીએશન વતી નવિનભાઈ ગોળવાળા, ભાવેશભાઈ મોરી, પંકજભાઈ નગદિયાએ મામલતદારને રૂબરૂ આવેદનપત્ર આપી બે દિવસમાં પાલા ખોલવાની મંજુરી આપવા માંગ કરી છે. અન્યથા સપરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચિમકી આપી છે.

પાલાબજાર બંધ રહેતા ૧૫૦ જેટલા પાલાધારકો પારાવાર આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે પાલાધારકોની માંગણીને અગ્રણી વેપારી ગોવિંદભાઈ પરમાર અને શહેર ચેમ્બર તથા ડીસ્ટ્રીકટ ચેમ્બરે પોતાનો ટેકો જાહેર કર્યો છે. મામલતદાર પરમારે પાલાધારકોની રજૂઆત પરત્વે યોગ્ય કરવા આશ્વાસન આપ્યુ છે.

(11:56 am IST)