Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ફિલીપાઇન્સમાં ફસાયેલા જુનાગઢના વિદ્યાર્થીઓ રાત્રે વતનમાં: સ્વ ખર્ચે કોરેન્ટાઇન થયા

વિઝા પુરા થતા એમબીબીએસનાં છાત્રોને ભારત અને ગુજરાત સરકારે મદદ કરી

જુનાગઢ તા. ૧રઃ ફિલીપાઇન્સમાં ફસાયેલા જુનાગઢનાં વિદ્યાર્થીઓ ભારત અને ગુજરાત સરકારની મદદથી રાત્રે વતન પહોંચતાં તેમનાં પરિવારોમાં ખુશી છવાઇ ગઇ હતી.

જો કે, એમબીબીએસનાં આ છાત્રો સ્વખર્ચે કોરેન્ટાઇન થયા છે.

ફિલીપાઇન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરતા જુનાગઢનાં ભાજપનાં યુવા અગ્રણી યોગીભાઇ પઢિયારનાં પુત્ર મિલનસિંહ સહિતનાં વિદ્યાર્થીઓ ત્યાં કોરોના મહામારીને લઇ ગત તા. ૧૦ માર્ચથી કડક લોકડાઉનમાં ફસાય ગયા હતા.

વાલી યોગી પઢિયારના જણાવ્યા મુજબ તેમનાં પુત્ર સહિતનાં વિદ્યાર્થીઓ લોકડાઉનને લઇ રૂમમાં કેદ થઇ ગયા હતા સાથે ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા.

તાજેતરમાં કેન્દ્ર સરકારે વંદે માતરમ મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા વેપારીઓ, વિદ્યાર્થીઓ વગેરેએ વતન ભારત પરત લાવવા માટે ખાસ ફલાઇટ શરૂ કરી છે.

પરંતુ જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓનાં વિઝા પુરા થઇ જતા તેઓને ફલાઇટમાં લઇ જવાનો ઇન્કાર કરી દેવામાં આવેલ.

આથી ભાજપનાં યોગી પઢિયાર સહિતનાં વાલીઓએ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરી આ વિદ્યાર્થીઓને ભારત લાવવા વિનંતી કરી હતી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પણ રજુઆત કરેલ.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પણ આ મામલે રજુઆત કરતાં તેઓને કેન્દ્રનાં એવીએશન મંત્રી હરદિપસિંહનું ધ્યાન દોર્યું હતું. આખરે ફિલીપાઇન્સમાં ફસાયેલા એમબીબીએસનાં વિદ્યાર્થીઓને ફલાઇટમાં બેસાડવામાં આવેલ.

ગત રાત્રે આ છાત્રો વતન પરત પહોંચ્યા હતા અને સ્વખર્ચે ખેડા તથા આણંદ જિલ્લાની હોટેલ, રિસોર્ટમાં કોરોન્ટાઇન થયા હતા.

આમ જુનાગઢનાં મિલાપસિંહ પઢિયાર તેમજ કોડીનાર-ધોરાજી સહિતનાં છાત્રો રાત્રે વતન આવી પહોંચતા તેમનાં પરિવારજનોએ ખુશી વ્યકત કરીને ભારત તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાનો આભાર વ્યકત કર્યો હતો.

(11:55 am IST)