Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભાવનગરમાં આવશ્યક સેવાઓમાં રહેલ વાહનોમાં વિનામૂલ્યે હવા-પંચર બનાવી પોતાનું સામાજિક ઋણ અદા કરતો અલ્કેશ

ભાવનગર, તા.૧૨:શ્રીરામ જયારે લંકા પહોંચવા સેતુ બાંધી રહ્યા હતા ત્યારે નાનકડી ખિસકોલી પણ જરૂર પડી ત્યાં પોતાનો યથા યોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી હતી.અને તેની એ ભૂમિકા આજે પણ જનમાનસમાં અંકીત છે. આજ કોરોના સામેની લડાઈમાં પણ સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ પોતાનું યથા યોગ્ય યોગદાન આપી રહ્યા છે. ત્યારે રામસેતુની ખિસકોલી સમાનઙ્ગ આવો જ નાનો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે ભાવનગરનો અલ્કેશ.

કોરોના સામે લડવા પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા વગેરે સેવાઓ રાત-દિવસ એક કરી પ્રચંડ લડત આપી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ આવશ્યક સેવાઓને ચલાવવા પોતાના વાહનોની જરૂર પડે અને આ વાહનોમાં પંચર પડે અથવા તો તેમાં હવાનું પ્રમાણ દ્યટે ત્યારે ભાવનગરમાં રહેતો અલ્કેશ નામનો યુવાન આ તમામ આવશ્યક સેવાઓ માં વપરાતા વાહનોમાં હવા ભરી આપવાનું તેમજ પંચર બનાવી આપવાનું કામ વિનામૂલ્યે કરી પોતાની રાષ્ટ્ર ભાવના તેમજ સામાજિક ઋણ અદા કરી રહ્યો છે. જયારથી લોકડાઉન થયું છે ત્યારથી અલ્કેશ પોતાના દ્યરની બહાર અવિરત એમ્બ્યુલન્સ, પોલીસ, ડોકટર, મીડિયા વગેરેના વાહનોમાં પંચર તેમજ હવા ભરવાની સેવા આપી રહ્યો છે.

અલ્કેશની માફક દરેક વ્યકિત જો પોતાનાથી થતી શકય તે મદદ કરવા આગળ આવે તો કોરોના અંગેની લડાઈમાં વિજય મેળવવો ચોક્કસપણે આસાન થઈ જાય તેમ કહેવું લગીરે અનુચિત નથી

(10:45 am IST)