Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગઢડામાં ૧૯૦ વર્ષ પુર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે બનાવેલ પ્રસાદિનાં મંદિરમાં રીપેરીંગ અને તોડફોડ થતાં ભકતોમાં રોષ

સાવરકુંડલા, તા.૧૨: બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે ૧૯૦ વર્ષ પહેલા બનાવેલ મંદિર વિશ્વમાં લાખો હરિભકતોના શ્રધ્ધાનું કેન્દ્ર સ્થાન છે.

હાલમાં આ ગઢડા મંદિરમાં સરકારના લોકડાઉનનો લાભ લઈ મંદિરમાં અકારણ રીપેરીંગ શ કરાતા વીવાદ ઉભો થયો છે.

ખુલે આમ લોકડાઉનનો ભંગ થઈ રહ્યો હોવા છતાં સરકારી તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવતા લોકોમાં ચર્ચા જાગવા પામી છે.

આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે જેમાં મંદિરના અંદરના ભાગોમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શ્રી મુળજી બ્રહ્મચારી દ્વારા થયેલ મજબુત પ્લાસ્ટર છે જે ટાકણા, હથોડા મારી તોડવામાં આવી રહ્યું છે ત્યારે આવુ મજબૂત પ્લાસ્ટર

શા માટે તોડાઇ રહ્યું છે? તેવા સવાલો ઉભા થયા છે?

વધુ આક્રોશ તો એટલે છે કે મજબુત પ્લાસ્ટર તોડી ટાઇલ્સ લગાવી ફરી ૩ દિવસ માં શા માટે તોડવામાં આવી? શું આ મહાન પ્રસાદિનું મંદિર કોઈ પ્રયોગશાળા છે કે જાજા બિલ નાખવા આ થઈ રહ્યું છે..? તેવા પ્રશ્નો પણ ભકતો માં ચર્ચાઇ રહ્યાં છે

સાથે મંદિરમાં ઠાકોરજીના પાણીયારે જતા જે જુનવાણી નકશી યુકત દરવાજો હતો તે પણ બદલી નાખવામાં આવ્યો છે.

૧૯૦ વર્ષમાં આજ સુધી મંદિરમાં કયાંય પાણીનું ટીપુ પણ નથી પડયું છતાં મંદિર ઉપરની છત અકારણ વાઈબ્રેટર મશીન થી તોડવામાં આવી રહી છે મંદિર ઉપરની અગાશી એટલી મજબૂત છે કે વાઈબ્રેટર મશીનથી તોડવી પડે છે તો શા માટે આવું કરવામાં આવી રહ્યું છે તેવા સવાલો હરિભકતો પુછી રહ્યાં છે.

લોકડાઉનના કારણે હરિભકતો ભેગા થઈ વિરોધના કરે માટે આવા સમયનો લાભ લઈ કોઈને ખબરના પડે તે રીતે ખાનગીમાં આવુ અધમ કામ થતાં ભકતો માં વહીવટી કર્તા સંતો અને ટ્રસ્ટીઓ પ્રત્યે ફિટકારની લાગણી વર્ષી રહી છે

૨૩ વર્ષે પુર્વે આજ વહીવટી કર્તા ચેરમેનના ગુરૂએ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વંય બનાવેલ અને જેમાં નિવાસ કરેલ તૈવા મહાન પ્રસાદીના શ્રી પદાદાખાચરના દરબારગઢ માં ઉગમણા બારના ઓરડાની દિવાલ પાડી હતી અને આથમણા બારના ઓરડાની પાછળ ની ઓસરી પાડી સ્લેપ ભરી લેતા વિવાદ થયો હતો આજ ફરી તેમનું બોર્ડ આવતા વિકાસની આંધળી આડમાં પ્રસાદિના પુરાતત્વનો નાશ કરી અધપત થઈ રહ્યુંની ચર્ચા સંપ્રદાયના હિતેષુ હરિભકતોમાં જાગવા પામી છે.

ત્યારે ગઢપુર ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ ના અગ્રણી હરીભકત અને ગઢપુર મંદિરનાં પુર્વ ચેરમેન ગોરધનભાઈ કાનાણી એ ભગવાન સ્વામીનારાયણનાં પૌરાણિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા મંદિરમાં થઈ રહેલ તોડફોડ સામે સખત રોષ વ્યકત કરી આ પૌરાણિક મંદિરમાં અકારણ થઈ રહેલા તોડફોડ ઉપર સરકાર શ્રી ના પુરાતત્વ ખાતાએ રોક લગાવવા માંગ કરી છે.

(9:57 am IST)